સુપ્રીમમાં કહ્યું કે લોકસભાની ચૂંટણી સુધી કોઈ કાર્યવાહી નહીં કરીએ
સુપ્રીમ કોર્ટની તસવીર
આવકવેરા ખાતાએ કૉન્ગ્રેસને ટૅક્સ ભરવા માટે જે નોટિસ મોકલી હતી એમાં આશરે ત્રણ મહિનાની રાહત આપી છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે ઇન્કમ-ટૅક્સ વિભાગે જણાવ્યું હતું કે હાલમાં લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમે નાણાંની રિકવરી માટે કોઈ કાર્યવાહી નહીં કરીએ. આ કેસમાં હવે ૨૪ જુલાઈએ સુનાવણી થશે.
આશરે ૩૫૬૭ કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવા માટે કૉન્ગ્રેસને ઇન્કમ-ટૅક્સ ખાતા તરફથી નોટિસ મળતાં એણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કૉન્ગ્રેસે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પર ટૅક્સ-ટેરરિઝમનો આરોપ લગાવીને કહ્યું હતું કે સત્તાધારી પાર્ટી ચૂંટણી સમયે અમારી નાણાકીય સ્થિતિ બગાડવા માગે છે. કૉન્ગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચને પણ દખલગીરી કરવાની વિનંતી કરી હતી.
ADVERTISEMENT
જસ્ટિસ બી. વી. નાગરત્નાની બેન્ચ સમક્ષ સુનાવણીમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરતાં કહ્યું હતું કે અમે ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે, પણ હાલમાં ચૂંટણી ચાલી રહી હોવાથી અમે રિકવરીની કોઈ કાર્યવાહી હમણાં નહીં કરીએ.
૨૦૨૪માં ૨૦ ટકા ચુકવણી કરવાનો વિકલ્પ આપીને ૧૩૫ કરોડ રૂપિયાની રિકવરી કરી દેવામાં આવી છે. ત્યાર બાદ ૧૭૦૦ કરોડ રૂપિયાની ડિમાંડ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આ તબક્કે પૂછ્યું હતું કે શું તમે જે ડિમાન્ડ છે એને સ્થગિત કરો છો? ત્યારે તુષાર મહેતાએ જણાવ્યું હતું કે નહીં, હમણાં ચૂંટણી ચાલી રહી હોવાથી કાર્યવાહી નહીં કરીએ. હવે કેસની સુનાવણી જૂનના બીજા અઠવાડિયામાં કરવામાં આવે.