ઉત્તર પ્રદેશમાં હવે આવા કેસમાં આજીવન કારાવાસની સજા થશે
ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે લવ જેહાદ રોકવા માટેના કાયદા વધારે કડક બનાવવા માટે સોમવારે વિધાનસભામાં રજૂ કરેલા ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલૉફુલ કન્વર્ઝન ઑફ રિલિજન (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૪ને ગઈ કાલે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલમાં લવ જેહાદના દોષીઓને આજીવન કારાવાસ જેવી સખત સજા કરવાની જોગવાઈ સામેલ કરાઈ છે.
આ સુધારાને ભારતીય જનતા પાર્ટી (BJP)એ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે આ યોગ્ય દિશામાં મહત્ત્વનું કદમ છે. જોકે સમાજવાદી પાર્ટીએ આ પગલાને વિભાજનકારી ગણાવીને એનાથી સમાજમાં દ્વેષ પેદા થશે એમ જણાવ્યું હતું.
વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આ બિલ રજૂ થયું હતું. એમાં કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરવાના ખરાબ ઉદ્દેશથી કોઈ વ્યક્તિને તેના જીવન માટે અથવા સંપત્તિ માટે ધમકાવે છે, હુમલો કરે છે, લગ્ન કરવાનો વાયદો આપે છે અથવા લગ્ન કરે છે, અથવા લગ્ન રચવાનું ષડ્યંત્ર કરે છે, સગીર, મહિલા કે કોઈ વ્યક્તિનું અપહરણ કરે છે તો આ ગુનાને ગંભીર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે. આવા કેસમાં હવે પીડિતના પરિવારની કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકશે.
ADVERTISEMENT
નવા કાયદાની જોગવાઈમાં બળજબરી કે છળકપટપૂર્વક રીતે કરવામાં આવતા ધર્માંતરણ માટે પણ સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ મહિલાને પોતાની જાળમાં ફસાવીને તેનું ધર્માંતરણ કરવાની ઘટના એટલે કે લવ જેહાદમાં દોષીઓને પહેલી વાર આજીવન કારાવાસની સજા કરવાની એમાં જોગવાઈ સામેલ કરાઈ છે. અત્યાર સુધી આવા કેસમાં એકથી દસ વર્ષની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ થતો હતો.


