મારી પણ રેસ્ટોરાં છે અહીં, ૫૦ રૂપિયાનો બિઝનેસ થયો છે અને ૧૫ લાખ રૂપિયાનો પગાર આપવાનો છે; મારી પીડા પણ સમજો, હું પણ સિંગલ વુમન છું
ગઈ કાલે પોતાના મંડી મતદારસંઘના એક પૂરગ્રસ્ત ગામમાં મદદ પૂરી પાડતી કંગના રનૌત
ગુરુવારે બૉલીવુડ ઍક્ટ્રેસ અને મંડીની સંસદસભ્ય કંગના રનૌત મનાલીના આપદાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ત્યારે પતલીકૂહલ ગામ પાસે યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ તેને કાળા ઝંડા બતાવીને ‘કંગના ગો બૅક’ના નારા લગાવ્યા હતા. એ વખતે થોડીક વાર માટે BJP અને કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. અંતરિયાળ ગામોમાં પૂરથી પ્રભાવિત પરિવારોને મળી ત્યારે એક મહિલા બ્લૉગરના સવાલો પર કંગના ભડકી ગઈ હતી. તેણે કહ્યું હતું કે ‘જો તમે આમ અમને ખાવા દોડશો તો અમે કામ કેવી રીતે કરીશું? હું માનું છું કે તમને કંગના બહુ મોટી તોપ લાગતી હશે, પણ હિમાચલ સરકાર પૈસા માગતી રહે છે તો એની પણ અકાઉન્ટેબિલિટી હોવી જોઈએને? રાહુલ અને પ્રિયંકાએ પણ પ્રભાવિતોની સાથે ઊભા રહેવું જોઈતું હતું.’
બ્લૉગરે જ્યારે લોકોને થયેલા નુકસાન બાબતે વધુ ઉગ્ર સવાલ કરવાની કોશિશ કરી તો કંગનાએ કહ્યું હતું કે ‘તમે મારા પર ચડાઈ કરવા આવ્યા છો કે સવાલ કરવા? પહેલાં તો શાંત થઈ જાઓ અને જાણી લો કે મારું ઘર પણ અહીં જ છે. મારા પર શું વીતી હશે? મારી પણ રેસ્ટોરાં અહીં છે જેમાં કાલે ૫૦ રૂપિયાનો બિઝનેસ થયો અને ૧૫ લાખ પગાર આપવાનો છે. મારી પીડા પણ તમે સમજો. હું પણ એકલી છોકરી છું, સિંગલ વુમન છું.’


