તેના લાઇટબિલના આરોપના મામલે હિમાચલ પ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટરે સ્પષ્ટતા કરી
કંગના રનૌત
કંગના રનૌતે હાલમાં હિમાચલ પ્રદેશના મંડીમાં યોજાયેલી એક સભામાં તેના મનાલીના બંધ ઘરનું બિલ એક લાખ રૂપિયા આવ્યું હોવાની ફરિયાદ કરીને આ વિસ્તારની કૉન્ગ્રેસ સરકારની આકરી ટીકા કરી હતી. હવે મીડિયા-રિપોર્ટ પ્રમાણે આ મામલે હિમાચલ પ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર સંદીપકુમારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘મૅડમ કંગના રનૌતે આરોપ મૂક્યો હતો કે તેઓ જ્યાં રહેતાં નથી એ તેમના મનાલીના ઘરનું બિલ એક લાખ રૂપિયા આવ્યું છે, પણ હું આ મામલે કહીશ કે આ વાત સાચી નથી.’
આ બિલ વિશે ખાસ માહિતી આપતાં સંદીપકુમારે કહ્યું છે કે ‘કંગના રનૌતનું જાન્યુઆરી-ફેબ્રુઆરીનું બિલ ૩૨,૦૦૦ રૂપિયા હતું જે બાકી હતું. આ બાકી બિલ અને લેટ-ફીની પેનલ્ટી તેમ જ લેટેસ્ટ બિલની રકમ મળીને કુલ ૯૧,૦૦૦ રૂપિયાની આસપાસ છે, એક લાખ રૂપિયા નહીં. જો તેમણે જાન્યુઆરી-ફેબ્રુઆરીનું બિલ સમયસર ભરી દીધું હોત તો તેમને માત્ર આ મહિનાનું બિલ ૫૫,૦૦૦ રૂપિયા જ મળ્યું હોત. માર્ચમાં કંગનાના ઘરનો વીજવપરાશ ૯૦૦૦ યુનિટ જેટલો હતો. તેઓ કહે છે કે તેઓ ઘરમાં નહોતાં પણ મીટરના આંકડા પાવરનો વપરાશ દર્શાવે છે. આ વપરાશને કારણે જ તેમને બિલ મોકલવામાં આવ્યું છે.’

