Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં. કંડવા નજીક CRPF વાહન અકસ્માતમાં ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યા; ૧૫ ઘાયલ થયા; બચાવકામગીરી ચાલુ
તસવીર સૌજન્ય : પીટીઆઇ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના ઉધમપુર (Udhampur) જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માત થયો. આ વિસ્તારમાં કંડવા નજીક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ - સીઆરપીએફ (Central Reserve Police Force - CRPF) વાહનના અકસ્માત (Udhampur CRPF Accident)માં ત્રણ CRPF જવાનોના મોત થયા અને ૧૫ અન્ય ઘાયલ થયા છે.
ઉધમપુરના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (Additional Superintendent of Police) સંદીપ ભટે જણાવ્યું કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નું એક વાહન રસ્તા પરથી લપસી ગયું અને નાળામાં પડી ગયું. આ કારણે ત્રણ સૈનિકોના મોત થયા અને ૧૫ ઘાયલ થયા. આ ઘટના સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે કડવા વિસ્તારમાં બની હતી. તે સમયે સૈનિકો બસંતગઢથી એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. અર્ધલશ્કરી દળની ૧૮૭મી બટાલિયન વાહનમાં હતી.
બસંતગઢ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે સૈનિકોની ઓળખ કોન્સ્ટેબલ આનંદ કોચ, ૧૩૭ બટાલિયન અને હેડ કોન્સ્ટેબલ અરવિંદ સિંહ, ૧૮૭ બટાલિયન તરીકે થઈ છે. ઘાયલ સૈનિકોને બસંતગઢથી એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉધમપુરના એડીસી પ્રેમ સિંહે અકસ્માત પર ખુબ દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ૧૦.૧૫ વાગ્યે થયેલા આ અકસ્માત પછી એક કલાકની અંદર બધા ઘાયલોને ખાડામાંથી બહાર કાઢવા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ અકસ્માત કેવી રીતે થયો તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસ પ્રમાણે કાચો રસ્તો અને ખરાબ હવામાન અકસ્માતનું કારણ હોઈ શકે છે.
અકસ્માત પછી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ ઘાયલોને મદદ કરીને મહત્વપૂર્ણ અને પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના કાર્યાલયે આ ઘટના પર ટ્વિટ (Tweet) કર્યું છે. તેમણે સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (x) પર લખ્યું છે કે, ‘ઉધમપુર નજીક અકસ્માતમાં CRPF જવાનોના મોતથી દુઃખ થયું. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. શ્રેષ્ઠ શક્ય સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવા માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી છે.’
આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી આ દુર્ઘટનામાં બચાવ કામગીરી ચાલુ હોવાની માહિતી સુત્રોએ આપી છે.


