૧૩૧૫ મીટર લાંબો આ પુલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિન્ક (USBRL) પ્રોજેક્ટનો ભાગ છે અને એ સંગલદાનને રામબન જિલ્લા સાથે જોડે છે.
ચિનાબ બ્રિજ
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં રેલવે માટે દુનિયાનો સૌથી ઊંચો પુલ લગભગ તૈયાર થઈ ગયો છે ત્યારે એના પર સંગલદાન અને રિયાસી સ્ટેશનોની વચ્ચે ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરતાં લખ્યું હતું કે ‘સંગલદાનથી રિયાસી વચ્ચે પહેલી ટ્રાયલ ટ્રેન સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી. આ પુલને વહેલી તકે દેશની સેવામાં સોંપવામાં આવશે. એનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. જોકે ટનલ-૧નું કામ થોડું બાકી છે.’
જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદીની ૩૫૯ મીટર ઊંચાઈએ બાંધવામાં આવેલો ચિનાબ બ્રિજ પૅરિસના આઇફલ ટાવર કરતાં અંદાજે ૩૫ મીટર ઊંચો છે. ૧૩૧૫ મીટર લાંબો આ પુલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિન્ક (USBRL) પ્રોજેક્ટનો ભાગ છે અને એ સંગલદાનને રામબન જિલ્લા સાથે જોડે છે.

