ભવિષ્યના યુદ્ધ અને અતિ જોખમી કામગીરી માટે થઈ રચના, એમાં ડ્રોન-ઑપરેટરોની પ્રશિિક્ષત ટીમનો સમાવેશ...
રાજસ્થાનમાં તૈયાર થઈ આર્મીની સ્પેશ્યલ ફોર્સ ભૈરવ બટૅલ્યન
સુરક્ષા અને આધુનિક યુદ્ધના પડકારોના પગલે ભારતીય સેનાએ રાજસ્થાનના નસીરાબાદ મિલિટરી કૅમ્પમાં એક નવું અને અત્યાધુનિક વિશેષ દળ ‘ભૈરવ બટૅલ્યન’ બનાવ્યું છે જે ખાસ કરીને ભવિષ્યના યુદ્ધ અને ઉચ્ચ જોખમી કામગીરી માટે રચાયું છે. ભૈરવ બટૅલ્યન ૧૫ જાન્યુઆરીએ જયપુરમાં આર્મી ડે પરેડમાં ભાગ લઈને પ્રથમ વખત એની જાહેર હાજરીનો અહેસાસ કરાવશે. આ એકમની એક ખાસ વિશેષતા એ છે કે એમાં ડ્રોન-ઑપરેટરોની એક પ્રશિક્ષિત ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે જે દેખરેખથી લઈને દુશ્મનનાં લક્ષ્યો સામે ચોકસાઈથી પ્રહાર કરવા સુધીનાં વિવિધ કાર્યો કરવા માટે સજ્જ છે.
બદલાતા યુદ્ધ માટે તૈયારી
આધુનિક યુદ્ધ હવે સરહદો સુધી મર્યાદિત નથી. ટેક્નૉલૉજી, ડ્રોન-સર્વેલન્સ અને ઝડપી પ્રતિભાવક્ષમતાઓ આજની સૌથી તાત્કાલિક જરૂરિયાતો બની ગઈ છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને ભૈરવ બટૅલ્યનને નવી વિચારસરણી, નવી ટેક્નૉલૉજી અને આધુનિક ઑપરેશનલ જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ દળ દુશ્મન પર નજર રાખવા અને ટૂંક સમયમાં નિર્ણાયક પગલાં લેવા સક્ષમ હોવાનું માનવામાં આવે છે.
ડ્રોન-આૅપરેટરો એક તાકાત
ભૈરવ બટૅલ્યનમાં સામેલ ડ્રોન-ઑપરેટરોને માત્ર ડ્રોન ઉડાડવા માટે જ નહીં, વાસ્તવિક જીવનની કામગીરીમાં એનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે પણ તાલીમ આપવામાં આવી છે. આ ઑપરેટરો દેખરેખ, લક્ષ્યની ઓળખ અને વ્યૂહાત્મક ઇનપુટમાં સેનાની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.
રણમાં પડકારો માટે વિશેષ તાલીમ
નસીરાબાદ અને આસપાસના રણવિસ્તારોમાં કામગીરી પડકારજનક છે. એને ધ્યાનમાં રાખીને ભૈરવ બટૅલ્યનના સૈનિકોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડવા, ઝડપથી આગળ વધવા અને મર્યાદિત સંસાધનો સાથે મિશન ચલાવવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ બટૅલ્યન સેના માટે એક ઝડપી, સક્ષમ અને નિર્ણાયક એકમ તરીકે ઊભરી આવશે.


