ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર તથા લદાખ ભારતનો આંતરિક અને અવિભાજ્ય હિસ્સો છે.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ ખાતે જમ્મુ અને કાશ્મીર વિશે પાકિસ્તાનના આક્ષેપોનો ભારતે ગુરુવારે જડબાતોડ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ખરાબ રેકૉર્ડ ધરાવતા દેશે (પાકિસ્તાને) અન્ય રાષ્ટ્રની આંતરિક બાબતમાં માથું મારવું ન જોઈએ. જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી ભારતે જણાવ્યું હતું કે ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના ૫૫મા રેગ્યુલર સત્રમાં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર તથા લદાખ ભારતનો આંતરિક અને અવિભાજ્ય હિસ્સો છે. ભારત વિરુદ્ધ હડહડતા જુઠ્ઠા આક્ષેપો કરી કાઉન્સિલનો ફરીથી દુરુપયોગ કરવામાં આવ્યો એ કમનસીબ બાબત છે, એમ તેમણે જણાવ્યું હતું.

