આંતરિક વિખવાદને પગલે આજે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની મીટિંગ હવે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં યોજાશે, એવું કૉન્ગ્રેસે જણાવ્યું છે.
કોંગ્રેસ
નવી દિલ્હી : આંતરિક વિખવાદને પગલે આજે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની મીટિંગ હવે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં યોજાશે, એવું કૉન્ગ્રેસે જણાવ્યું છે. કૉન્ગ્રેસનાં સૂત્રોએ જણાવ્યા મુજબ આજે યોજાનારી આ મીટિંગમાં વિપક્ષના કેટલાક નેતાઓ હાજરી આપી શકે એમ ન હોવાથી એ પ્રોગ્રામ બદલાયો છે. કારણ કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ પણ આજે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ વિશે જાણકારી ન હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે ‘પૂર્વ બંગાળમાં મારો એક પ્રોગ્રામ છે, જ્યાં મારે હાજરી આપવી જરૂરી છે. જો મને અગાઉથી ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ વિશેની જાણકારી હોત તો અન્ય પ્રોગ્રામ નક્કી ન કર્યા હોત. અમને ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ વિશેની કોઈ જાણકારી નથી.’ જ્યારે બીજી બાજુ તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટૅલિન પણ મીટિંગમાં હાજરી આપવા માટે દિલ્હી આવી શકે એમ નથી ત્યાં ચક્રવાતને કારણે ઘણું નુકસાન થયું છે. જ્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ બીમારીને કારણે હાજરી આપી શકે એમ નથી. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જણાવ્યું હતું કે તેઓ પણ આજે આયોજિત ઇન્ડિયા ગઠબંધનની મીટિંગમાં હાજરી આપી શકે એમ નથી, કારણ કે તેઓ ઘણા વ્યસ્ત છે. આ મીટિંગ કૉન્ગ્રેસના
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાવાની હતી.


