આ પાઇપલાઇનને પગલે ભારત અને બંગલાદેશના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થશે એમ વડા પ્રધાન મોદીએ ઉદ્ઘાટન પ્રસંગે કરેલા સંબોધનમાં જણાવ્યું હતું

ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બંગલાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ગઈ કાલે ભારતથી ઉત્તર બંગલાદેશ ડીઝલ વહન કરવા માટેની ૩૭૭ કરોડ રૂપિયાની પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરી ખર્ચમાં તેમ જ કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો કર્યો હતો. આ પાઇપલાઇનને પગલે ભારત અને બંગલાદેશના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થશે એમ વડા પ્રધાન મોદીએ ઉદ્ઘાટન પ્રસંગે કરેલા સંબોધનમાં જણાવ્યું હતું. ૧૩.૫ કિલોમીટરની પાઇપલાઇનની મદદથી આસામના નુમાલીગૃહથી બંગલાદેશ સુધી પ્રતિ વર્ષ ૧૦ લાખ ટન ડીઝલ સપ્લાય કરવામાં આવશે, જેના પરિણામે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં તેમ જ ફ્યુઅલની હેરફેરને પગલે થતા કાર્બન ફુટપ્રિન્ટમાં પણ ઘટાડો થાય છે, એમ મોદીએ કહ્યું હતું.
દેશની લોકશાહીની સફળતા કેટલાકને ખૂંચે છે : પીએમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક મીડિયા ઇવેન્ટમાં જણાવ્યું હતું કે ભારતની લોકશાહી અને એનાં સંસ્થાનોની સફળતા કેટલાક લોકોને ખૂંચે છે અને આ જ કારણે તેઓ એના પર હુમલો કરી રહ્યા છે. વડા પ્રધાને દેશમાં લોકશાહી ખતરામાં હોવાનું નિવેદન આપનારા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની આ રીતે ટીકા કરી હતી. મોદીએ કહ્યું હતું કે જ્યાં પણ શુભ થાય ત્યાં ‘કાલા ટીકા’ લગાડવાની જરૂર હોય છે. કેટલાક લોકોએ ‘કાલા ટીકા’ લગાડવાની જવાબદારી સ્વીકારી છે.