ઇઝરાયલી ટૂરિસ્ટ અને હોમસ્ટે માલિક પર ત્રણ જણે કર્યો સામૂહિક બળાત્કારઃ આ મહિલાઓના ત્રણ પુરુષમિત્રો પર પણ હુમલો કર્યો એમાં એકનું મોત થયુું
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના હમ્પીમાં ગુરુવારે રાત્રે ૨૭ વર્ષની ઇઝરાયલી મહિલા ટૂરિસ્ટ અને ૨૯ વર્ષની હોમસ્ટે માલિક પર ત્રણ જણે બળાત્કાર કર્યો હતો. આ બે મહિલાઓના ત્રણ પુરુષમિત્રોને આરોપીઓએ નજીકમાં આવેલી નહેરમાં ધકેલી દીધા હતા, જેમાંથી એકની ડેડ-બૉડી શુક્રવારે સવારે મળી આવી હતી. આ ટૂરિસ્ટો આકાશદર્શન કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
બૅન્ગલોરથી ૩૫૦ કિલોમીટર દૂર હમ્પી વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. કોપ્પલના પોલીસ અધિકારી રામ એલ. અરાસિદ્દીએ જણાવ્યું હતું કે ‘હમ્પીથી આશરે ૪ કિલોમીટર દૂર આવેલા સનાપુરમાં તુંગભદ્રા લેક પાસે ગુરુવારે રાત્રે ૧૧થી ૧૧.૩૦ વાગ્યાના સુમારે બે મહિલા અને તેમના ત્રણ પુરુષમિત્રો આકાશદર્શન કરી રહ્યાં હતાં. એક મહિલા અમેરિકાની છે અને બીજી ઇઝરાયલની છે. તેઓ ગિટાર વગાડી રહ્યાં હતાં. આ સમયે બાઇક પર આવેલા ત્રણ જણે તેમના પર હુમલો કર્યો હતો. ત્રણ પુરુષોને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા જેમાંથી અમેરિકાના ડૅનિયલ અને મહારાષ્ટ્રના પંકજને બહાર કાઢવામાં આવ્યા હતા. ઓડિશાના બિબાશની ડેડ-બૉડી મળી છે.’
ADVERTISEMENT
આ ઘટના વિશે વધુમાં જાણકારી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘બાઇક પર આવેલા ત્રણ લોકોએ પેટ્રોલ-પમ્પનો રસ્તો પૂછ્યો ત્યારે હોમસ્ટે માલિકે કહ્યું કે અહીં પેટ્રોલ-પમ્પ નથી. એ સમયે આ ત્રણ જણે ટૂરિસ્ટો પાસે પૈસા માગ્યા હતા. એ માટે ના પાડતાં કન્નડા અને તેલુગુ બોલતા આ આરોપીઓએ ગેરવર્તન કરવાનું શરૂ કર્યું હતું અને મારપીટ શરૂ કરી હતી. હોમસ્ટે માલિકે કહ્યું હતું કે આરોપીઓએ ત્રણ પુરુષોને નહેરમાં ફેંકી દીધા હતા. બે આરોપીઓએ હોમસ્ટે માલિક પર અને એક આરોપીએ ઇઝરાયલી ટૂરિસ્ટ પર બળાત્કાર કર્યો હતો. આરોપીઓ બે મોબાઇલ ફોન અને ૯૫૦૦ રૂપિયા લઈને નાસી છૂટ્યા હતા.’
આ કેસ વિશે જાણકારી આપતાં લોકેશકુમાર નામના એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપીઓએ નાણાંની માગણી કરી ત્યારે ટૂરિસ્ટોના ગ્રુપે તેમને ૨૦ રૂપિયા આપ્યા હતા. તેમણે ૧૦૦ રૂપિયાની માગણી કરી હતી અને એ મુદ્દે વિવાદ થયો હતો.’

