સંસદ તરફ કૂચ કરવાની યોજનાના ભાગરૂપે હજારો ખેડૂતો અને ગ્રામજનોનાં ટોળાંને ધ્યાનમાં રાખીને નોએડા પોલીસે દિલ્હી સાથેની તેની તમામ સરહદો પર સુરક્ષા વધારી દીધી હતી
નોઇડા દિલ્લી બોર્ડર
નવી દિલ્હી : સંસદ તરફ કૂચ કરવા નીકળેલા ખેડૂતો હવે નોએડાથી દિલ્હીમાં પ્રવેશ્યા છે અને એને કારણે જબરદસ્ત ટ્રાફિક જૅમ સર્જાયો છે. લોકો આ ટ્રાફિક જૅમથી ત્રાસી ગયા છે. ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં ખેડૂતો સાથે આંદોલનમાં હાજર મહિલાઓએ મહામાયા ફ્લાયઓવર પરના બૅરિકેડ્સ તોડી નાખ્યાં હતાં. હવે ખેડૂતો ચિલ્લા બૉર્ડર પર એકઠા થયા છે.
તેમની માગણીઓ પૂરી ન કરતી સરકારનો વિરોધ કરી રહેલા ખેડૂતો ગુરુવારે સંસદ તરફ કૂચ કરવા નીકળ્યા હતા, પરંતુ તેઓ દિલ્હીમાં પ્રવેશ કરે એ પહેલાં જ તેમને નોએડા બૉર્ડર પર રોકી દેવામાં આવ્યા હતા. ખેડૂતોના એકઠા થવાને કારણે નોએડામાં ઘણી જગ્યાએ ટ્રાફિક જૅમ થઈ ગયો હતો, જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ મહામાયા ફ્લાયઓવર પરના બૅરિકેડ્સ તોડીને દિલ્હી તરફ કૂચ કરી છે. ખેડૂતોની સાથે વિરોધમાં હાજર મહિલાઓએ પણ બૅરિકેડ્સ તોડી નાખ્યાં હતાં. હવે ખેડૂતો ચિલ્લા બૉર્ડર પર એકઠા થયા છે.
ADVERTISEMENT
સંસદ તરફ કૂચ કરવાની યોજનાના ભાગરૂપે હજારો ખેડૂતો અને ગ્રામજનોનાં ટોળાંને ધ્યાનમાં રાખીને નોએડા પોલીસે દિલ્હી સાથેની તેની તમામ સરહદો પર સુરક્ષા વધારી દીધી હતી. જ્યારે સરહદો સીલ કરવામાં આવી ત્યારે ખેડૂતો ત્યાં હડતાળ પર બેસી ગયા. ગુરુવારે બપોરે ખેડૂતનેતા રાકેશ ટિકૈત પણ ગ્રેટર નોએડામાં વિરોધીઓના જૂથમાં જોડાયા હતા, જ્યાં તેમના સંગઠન ભારતીય કિસાન યુનિયનના સભ્યો સ્થાનિક સત્તાધિકારી કચેરીની બહાર વિરોધ કરી રહ્યા છે.
નોએડામાં વિરોધીઓનું નેતૃત્વ ભારતીય કિસાન પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના કાર્યકરોએ ડિસેમ્બર, ૨૦૨૩થી સ્થાનિક સત્તાધિકારી કચેરીની બહાર પડાવ નાખ્યો છે. ખેડૂતોની સંસદ કૂચની જાહેરાત બાદ જ નોએડા પોલીસે દિલ્હી સાથે જોડાયેલી વિવિધ સરહદો પર કડકાઈ વધારી દીધી હતી, જેના કારણે નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસ-વે અને ડીએનડી સહિતના વિવિધ માર્ગો પર ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો છે.

