મણિપુરમાં ઘણા દિવસોથી આદિવાસીઓ અને બહુમતી મેઈતી સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ છે
ફાઇલ તસવીર
મણિપુરમાં હિંસક (Manipur Violence) ઘટના વચ્ચે, સરકારે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રશાસને આવા પગલા માત્ર આત્યંતિક ઘટનામાં જ લેવા જોઈએ.
દરમિયાન મુખ્યપ્રધાન એન. બિરેન સિંહે (N Biren Singh) એક વીડિયો જાહેર કર્યો છે અને લોકોને શાંતિ માટે સરકારને સહકાર આપવા અપીલ કરી છે. રાજ્યમાં બે સમુદાયો વચ્ચે ગેરસમજને કારણે હિંસા થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે જે કોઈ પણ તોડફોડ કે હિંસા કરશે તેની સામે અમે કાર્યવાહી કરીશું.
ADVERTISEMENT
મણિપુર (Manipur)માં ઘણા દિવસોથી આદિવાસીઓ અને બહુમતી મેઈતી સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ છે. આ તણાવે બુધવારે (3 મે) રાત્રે હિંસાનું સ્વરૂપ લીધું હતું. આ પછી, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઇફલ્સની ઘણી ટીમોને તાત્કાલિક રાતભર તહેનાત કરવામાં આવી હતી. હિંસાને કારણે 9,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થોબલ, જીરીબામ અને બિષ્ણુપુર જિલ્લાઓ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
શું છે મામલો?
બિન-આદિવાસી મેઈતી સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માગના વિરોધમાં `ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર` દ્વારા બુધવારે `આદિવાસી એકતા માર્ચ` કાઢવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
આ પણ વાંચો: મારું રાજ્ય સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો, મેરી કોમની કેન્દ્રને અપીલ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે તેઓ મેઈતી સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માગ પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલે. આ માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

