આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થાય છે
ઑપરેશન સિંદૂર
સંસદના આજથી શરૂ થઈ રહેલા મૉન્સૂન અધિવેશનમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની વિપક્ષની માગણીને સરકારે સ્વીકારી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
૨૨ એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યાર બાદ પહેલી વાર આ સંસદનું અધિવેશન યોજાઈ રહ્યું છે જે ૨૧ ઑગસ્ટે સમાપ્ત થશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે સરકારે ચૂંટણીલક્ષી બિહારમાં મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચર્ચા વિશે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.
ADVERTISEMENT
વિપક્ષોના બનેલા INDI ગઠબંધને શનિવારે એના ૨૪ ઘટકોની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં અધિવેશન દરમ્યાન ઉઠાવવામાં આવનારા આઠ મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ બની હતી. આ મુદ્દાઓમાં પહલગામ આતંકવાદી હુમલો, ઑપરેશન સિંદૂર, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત, ભારતની વિદેશનીતિ અને બિહારમાં ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલા મતદારયાદીઓના સુધારાનો સમાવેશ થાય છે.
આ વર્ચ્યુઅલ મીટિંગમાં કૉન્ગ્રેસનાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કે. સી. વેણુગોપાલ અને જયરામ રમેશ; સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ; તૃણમૂલ કૉન્ગ્રેસના અભિષેક બૅનરજી; શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત; નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના શરદ પવાર અને જયંત પાટીલ; નૅશનલ કૉન્ફરન્સના ઉમર અબદુલ્લા; JMMના હેમંત સોરેન; RJDના તેજસ્વી યાદવ અને DMKના તિરુચી એન. શિવા હાજર રહ્યા હતા.
અમે પણ દોડીશું આ રેસમાં

ગઈ કાલે શ્રીનગરમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરની પોલીસ દ્વારા આયોજિત ‘પેડલ થ્રૂ પૅરૅડાઇઝ’ સાઇકલ-રેસમાં દિવ્યાંગો પણ જોડાયા હતા અને તેમણે વ્હીલચૅરમાં બેસીને ભાગ લીધો હતો.


