મંગળવાર સુધીમાં દિલ્હી લાવવામાં આવે અને બુધવારે ગોવા કોર્ટમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા
લુથરા બંધુઓને ભારત લાવવામાં વિલંબનું મુખ્ય કારણ વીઝા અને પાસપોર્ટના મુદ્દા છે
ભારતીય તપાસ એજન્સીઓએ થાઈ પોલીસ સાથે મળીને ગુરુવારે બન્ને ભાઈઓની અટકાયત કરી હતી. તેમના વીઝા રદ કરાવવા સહિતની સરકારી પ્રક્રિયા પૂરી કરવામાં અને બાદમાં શનિવાર અને રવિવારની રજા આવવાને કારણે તેમને ભારત લાવવામાં વિલંબ થઈ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે લુથરા બંધુઓને ભારત લાવવામાં વિલંબનું મુખ્ય કારણ વીઝા અને પાસપોર્ટના મુદ્દા છે. પહેલાં વીઝા રદ કરવામાં આવશે. ત્યાર બાદ થાઈ પોલીસ સૌરભ અને ગૌરવ લુથરાને ફુકેતથી બૅન્ગકૉક લઈ જશે. તેમને બૅન્ગકૉકના થાઈ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.
ADVERTISEMENT
અમુક આવશ્યક દસ્તાવેજો માટેની કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા પછી જ ઇમર્જન્સી સર્ટિફિકેટ આપવામાં આવશે. આમાં સોમવાર સુધીનો સમય લાગી શકે છે. ઇમર્જન્સી સર્ટિફિકેટ ઇશ્યુ કરવાથી તેઓ તેમના સસ્પેન્ડેડ પાસપોર્ટ હોવા છતાં ભારત પાછા ફરવાની વન-ટાઇમ જર્ની કરી શકશે. વળી શનિવાર અને રવિવાર રજાઓ હોવાથી લુથરા બંધુઓ સોમવાર પહેલાં ભારત પહોંચે એવી શક્યતા ઓછી છે. બધી ઔપચારિકતાઓ સોમવારે પૂરી કરવામાં આવશે. સૂત્રો કહે છે કે બન્ને આરોપી ભાઈઓ મંગળવાર સુધીમાં ભારતમાં હશે.
લુથરા બંધુઓને ભારતમાં લાવવામાં આવ્યા બાદ ઍરપોર્ટ પર જ તેમની ધરપકડ કરવામાં આવશે અને એના ૨૪ કલાકમાં તેમને ગોવાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ કોર્ટ પાસેથી તેમની કસ્ટડી માગશે. કોર્ટ લુથરા બંધુઓની કસ્ટડી પોલીસને આપે એવી શક્યતા વધુ છે. બેઉ ભાઈઓને બૅન્ગકૉકથી દિલ્હી અને દિલ્હીથી ગોવા લાવવાની યોજના બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં લુથરા બંધુઓને મંગળવાર કે બુધવાર સુધીમાં ગોવા લાવવામાં આવશે.


