પહેલી નવેમ્બરથી દિલ્હી અને ત્રણ પાડોશી રાજ્યના ૨૪ જિલ્લાઓમાં અમલ
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં ૧૦ વર્ષથી વધુ જૂનાં ડીઝલનાં અને ૧૫ વર્ષથી જૂનાં પેટ્રોલનાં વાહનોને પહેલી જુલાઈથી ફ્યુઅલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ જનવિરોધને પગલે હવે આ પ્રતિબંધ પહેલી નવેમ્બરથી લાગુ થશે અને એ નૅશનલ કૅપિટલ રીજન (NCR)ના પાંચ જિલ્લાઓમાં પણ લાગુ કરવામાં આવશે. કમિશન ઑફ ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)નાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આ નિયમ પહેલી નવેમ્બરથી લાગુ થશે. NCRમાં નૅશનલ કૅપિટલ ટેરિટરી ઉપરાંત પાડોશી રાજ્યો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કુલ ૨૪ જિલ્લાઓનો સમાવેશ થાય છે; જેમાં દિલ્હી ઉપરાંત ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાંવ, નોએડા જેવાં મહત્ત્વનાં શહેરોનો સમાવેશ છે.
દિલ્હી સરકારે જુલાઈથી આ નિયમ લાગુ કરવાના મુદ્દે યુ-ટર્ન લીધો અને જૂનાં વાહનો જપ્ત કરવાની ઝુંબેશ બંધ કરી દીધી હતી. સરકારે જૂનાં વાહનો પરનો ફ્યુઅલ-પ્રતિબંધ દૂર કરવા માટે ટેક્નિકલ પડકારો અને જટિલ સિસ્ટમનો ઉલ્લેખ કરીને CAQMને પત્ર લખ્યો હતો. એના પગલે પહેલી જુલાઈથી લાગુ થનારા ઓવરએજ વાહનો પર ફ્યુઅલ-પ્રતિબંધનો નિર્ણય પહેલી નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ પ્રદૂષિત ઓવરએજ વાહનોને રસ્તાઓ પરથી દૂર કરવાનો અને હવાની ગુણવત્તા સુધારવાનો છે.

