પ્રયાગરાજ કોર્ટનો આદેશ, રામભદ્રાચાર્યના શિષ્યએ બે પીડિત બાળકોને રજૂ કર્યાં
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે સગીર બાળકોના જાતીય શોષણના કેસમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કોર્ટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાનો આદેશ આપ્યો છે. ઝુંસી પોલીસ-સ્ટેશનમાં શંકરાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારી મહારાજની ફરિયાદ પર ગઈ કાલે POCSO કોર્ટમાં સુનાવણી થઈ હતી. આશુતોષ બ્રહ્મચારી મહારાજે બે બાળકોને કોર્ટમાં રજૂ કર્યાં હતાં અને જાતીય શોષણના આરોપો લગાવ્યા હતા. બાળકોનાં નિવેદનો કૅમેરા સામે નોંધવામાં આવ્યાં હતાં. પ્રયાગરાજ પોલીસ-કમિશનરના તપાસ-અહેવાલને પગલે POCSO ઍક્ટના વિશેષ ન્યાયાધીશ વિનોદકુમાર ચૌરસિયાએ અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્ય મુકુંદાનંદ અને બે કે ત્રણ અજાણી વ્યક્તિ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ‘આરોપ લગાવનાર વ્યક્તિનો ગુનાહિત ભૂતકાળ છે. કેસ દાખલ થાય ત્યારે જ તપાસ-પ્રક્રિયા પૂરી થાય એ યોગ્ય છે. કોર્ટે વિલંબ કર્યા વિના તપાસ ઝડપી બનાવવી જોઈએ. અમે કોર્ટમાં બધા પુરાવા પૂરા પાડ્યા છે. અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. જ્યારથી અમે ગાયોના રક્ષણ માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે ત્યારથી સરકાર અને કેટલીક વ્યક્તિ એનાથી નાખુશ છે. હું યોગી આદિત્યનાથ નથી કે મારી સામેનો કેસ પાછો હટાવી લઈશ.’
ADVERTISEMENT
આશુતોષ બ્રહ્મચારી મહારાજે ૮ ફેબ્રુઆરીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે અવિમુક્તેશ્વરાનંદ પર ગુરુકુળની આડમાં શિબિરમાં બાળકોનું જાતીય શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ મુદ્દે ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ કહ્યું હતું કે ‘અમે ઘરે-ઘરે ભટકતા હતા અને પોલીસ પાસે જતા હતા. અમારી અરજીઓ સાંભળવામાં આવતી નહોતી. તેથી જ અમે કોર્ટમાં આવ્યા છીએ. અમને લાગે છે કે ન્યાય હજી પણ જીવંત છે. કોર્ટે અમને ન્યાય આપ્યો છે. હું હવે સ્પષ્ટપણે કહેવા માગું છું કે શિષ્યોનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને સમલૈંગિક કૃત્યો કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે. અમે ન્યાય માટે લોકોની વચ્ચે જઈશું. આવા લોકોએ ઊંચા હોદ્દા પર બેસવું જોઈએ નહીં, આ લોકો જેલમાં હોવા જોઈએ. એટલા માટે અમે આજે અમારી યાત્રા શરૂ કરી રહ્યા છીએ. હું વારાણસીના વિદ્યામઠ જઈ રહ્યો છું.’
