દિલ્હીમાં બેઝમેન્ટની લાઇબ્રેરીમાં ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ બાદ ચીફ જસ્ટિસને પત્ર
દિલ્હી સુધરાઈએ ગઈ કાલે ઓલ્ડ રાજેન્દ્રનગરમાં અતિક્રમણો પર બુલડોઝર ફેરવ્યું હતું
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં શનિવારે સાંજે રાવ IAS સ્ટડી સર્કલના બેઝમેન્ટની લાઇબ્રેરીમાં પાણી ભરાઈ ગયા બાદ ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં એનાથી વ્યથિત થઈને અવિનાશ દુબે નામના એક સ્ટુડન્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડને પત્ર લખીને આપવીતી જણાવી છે અને માગણી કરી છે કે અમે નરકમાં હોય એવું જીવન જીવી રહ્યા છીએ, આથી તમે એ તમામ બેજવાબદાર લોકો સામે પગલાં લો જેઓ આ દુર્ઘટના માટે જવાબદાર છે.
ચીફ જસ્ટિસે હજી સુધી નક્કી નથી કર્યું કે આ પત્રને અરજીના રૂપમાં લેવી જોઈએ કે નહીં.
ADVERTISEMENT
આ પત્રમાં રાજેન્દ્રનગર અને મુખરજીનગરના રહેવાસીઓની સમસ્યાની વાત કરવામાં આવી છે જેઓ ગટરની સમસ્યાના લીધે જળબંબાકારની પરિસ્થિતિનો કાયમ સામનો કરતા રહે છે. સ્ટુડન્ટ્સ પણ સારા જીવનને મૂળભૂત અધિકાર જણાવે છે એવો મુદ્દો ઉપસ્થિત કરીને તેણે વધુમાં લખ્યું હતું કે ‘બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી ત્રણ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યા છે. અમારી પાસે ઘૂંટણસમા ગટરના પાણીમાંથી પસાર થવા સિવાય બીજો વિકલ્પ નથી. વિદ્યાર્થીઓ અધિકારી બનવા માટે જીવનની સૌથી કઠિન પરીક્ષાની તૈયારી કરે છે પણ નર્ક જેવું જીવન જીવી રહ્યા છે. શનિવારની ઘટના દર્શાવે છે કે અમારા જેવા સ્ટુડન્ટ્સ સલામત નથી. દિલ્હી સરકાર અને સુધરાઈ અમને પશુ જેવું જીવન જીવવા માટે મજબૂર કરે છે.’
સ્ટડન્ટ્સને સારું જીવન જીવવાનો અધિકાર છે એવું જણાવીને અવિનાશ દુબેએ લખ્યું હતું કે ‘પાણી ભરાઈ જવાથી સ્ટુડન્ટ્સની સલામતી અને આરોગ્યની સામે જોખમ છે. સ્ટુડન્ટ્સ ભય વિના અભ્યાસ કરે તો દેશના વિકાસમાં મદદ કરી શકે એમ છે. આથી દિલ્હી સરકાર અને દિલ્હી સુધરાઈના એ તમામ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે જેઓ આ દુર્ઘટના માટે જવાબદાર છે. સ્ટડી સેન્ટરની લાઇબ્રેરીમાં ભણતા સ્ટુડન્ટ્સ સલામતીથી બહાર નીકળી શકે એવા એસ્કેપ રૂટ પણ બનાવવા જોઈએ.’
શનિવારે રાજેન્દ્રનગરમાં તાનિયા સોની, શ્રેયા જાધવ અને નવીન ડેલ્વિનનાં લાઇબ્રેરીમાં ફસાઈ જવાથી મૃત્યુ થયાં હતાં અને પટેલનગરમાં ૨૬ વર્ષના સ્ટુડન્ટ નીલેશ રાયનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હતું.
દિલ્હી સુધરાઈએ શરૂ કરી ઝુંબેશ
દિલ્હી સુધરાઈએ ગઈ કાલથી ગેરકાયદે બાંધકામો તોડવા માટેની ઝુંબેશ શરૂ કરી દીધી હતી. ગટરના પાણીના જવાના માર્ગમાં જે અતિક્રમણ ઊભાં થયાં છે એને તોડી પાડવામાં આવી રહ્યાં છે. આ સિવાય સલામતી માટે જોખમી એવા ગેરકાયદે બેઝમેન્ટની સામે પણ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. પાણી ભરાઈ જવાની સમસ્યા માટે જુનિયર એન્જિનિયરો સામે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. એક જુનિયર એન્જિનિયરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે અને એક અસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવાયો છે.
બાયોમેટ્રિક સિસ્ટમ દૂર કરવાની માગણી
દિલ્હીમાં મોટા ભાગના ક્લાસમાં સ્ટુડન્ટ્સની એન્ટ્રી અને એક્ઝિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ થાય છે અને શનિવારે આવી સિસ્ટમ નિષ્ફળ જવાથી દુર્ઘટના બની હતી. આથી હવે આ પ્રકારની સિસ્ટમને દૂર કરવાની માગણી સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવી છે.
૧૩ કોચિંગ ક્લાસના બેઝમેન્ટ સીલ
દિલ્હી સુધરાઈએ રવિવારે કરોલબાગમાં ૧૩ કોચિંગ ક્લાસનાં બેઝમેન્ટ સીલ કરી દીધાં હતાં. બિલ્ડિંગના કાયદાનું ઉલ્લંઘન કરતાં કોચિંગ સેન્ટરોને બેઝમેન્ટ લાઇબ્રેરીઓ ખાલી કરવાનો આદેશ અપાયો છે. બેઝમેન્ટમાં ગેરકાયદે બાંધકામ કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે.
SUVના ડ્રાઇવરની ધરપકડ
શનિવારે સાંજે દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હોવા છતાં બેદરકારીપૂર્વક ફુલ સ્પીડમાં SUV દોડાવીને કોચિંગ ક્લાસના બેઝમેન્ટ ગેટને તોડી નાખનારા ડ્રાઇવરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે એક ફેરિયાએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો છતાં તે ફુલ સ્પીડમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા ગયો હતો અને તેની કાર બેઝમેન્ટમાં રાવ સ્ટડી સર્કલના ગેટ સાથે ટકરાઈ હતી.
સાતની ધરપકડ
આ દુર્ઘટનામાં સ્ટડી સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા, કો-ઑર્ડિનેટર દેશપાલ સિંહ સહિત સાત જણની ધરપકડ કરવામાં આવી છે. તેમને ૧૪ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધા છે.
સંસદમાં પડઘો
કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં એનો દિલ્હી સુધરાઈના ગૃહમાં વિરોધ કરતા BJPના નગરસેવકો
આ મુદ્દે ગઈ કાલે સંસદમાં પણ પડઘો પડ્યો હતો. વિપક્ષી ગઠબંધન INDIAના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે કહ્યું હતું કે આ શૉકિંગ ઘટના છે. તેજસ્વી વિદ્યાર્થીઓનાં સપનાં તૂટે એની સાથે એ પરિવારનાં સપનાં પણ તૂટી જાય છે. આ દુર્ઘટનામાં પરિવારોને વળતર મળવું જ જોઈએ. રાજેન્દ્રનગર સહિત દિલ્હીમાં બિલ્ડિંગોમાં સલામતી, ફાયર-સેફ્ટી, ફ્લડ-સેફ્ટી જેવી વ્યવસ્થા હોવી જોઈએ. કાયદાનો ભંગ સરેઆમ થઈ રહ્યો છે. રાજ્યસભાના ચૅરમૅન જગદીપ ધનખડે પણ કોચિંગ ક્લાસના મુદ્દે બોલતાં કહ્યું હતું કે આ એક ધંધો બની ગયો છે, ન્યુઝપેપરમાં પહેલાં બેથી ત્રણ પાનાંની જાહેરાતો આવે છે.

