રાયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસ અધિવેશનમાં સોનિયા ગાંધી થયા ભાવુક
ફાઇલ તસવીર
છત્તીસગઢ (Chhattisgarh)ની રાજધાની રાયપુર (Raipur)માં કોંગ્રેસ (Congress)નું અધિવેશન ચાલી રહ્યું છે. રાયપુરમાં કોંગ્રેસ અધિવેશન દરમિયાન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ ભાવુક થઈને ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં સોનિયા ગાંધી એવું કંઈક બોલ્યા જેથી અટકળો વહેતી થઈ છે કે સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય.
સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની તેમની સફરનો ઉલ્લેખ કર્યો અને તમામના સહકાર બદલ આભાર માન્યો. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની સફર અને પાર્ટીમાં તેમના યોગદાનને દર્શાવતો વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીના સંબોધન પછી એવી અટકળોએ જોર પકડ્યું હતું કે, સોનિયા ગાંધીએ હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સોનિયા ગાંધીના ભાવુક ભાષણ બાદ સક્રિય રાજકારણમાંથી તેમની નિવૃત્તિની અટકળો ચાલી રહી હતી.
ADVERTISEMENT
વાસ્તવમાં કોંગ્રેસના ૮૫માં સત્રમાં એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો જેમાં પાર્ટીમાં સોનિયા ગાંધીનું યોગદાન અને તેમની ઉપલબ્ધિઓ બતાવવામાં આવી હતી. સોનિયા ગાંધીએ આ વિડિયો પછી ભાવનાત્મક સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ અને યુપીએ શાસન તરીકેના તેમના કાર્યકાળ વિશે તેઓએ જે કહ્યું તેના માટે તેઓ દરેકનો આભાર માને છે. તેમણે એમ પણ કહ્યું કે, વર્ષ ૧૯૯૮માં કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદથી અત્યાર સુધીમાં ૨૫ વર્ષમાં અમે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે અને નિરાશાનો સમય પણ જોયો છે. સોનિયા ગાંધીએ મનમોહન સિંહના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૪ અને વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં જીતને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.
‘મારા માટે સૌથી વધુ સંતોષની વાત એ છે કે મારી ઈનિંગનો અંત ભારત જોડો યાત્રા સાથે થઈ શકે છે જે એક મહત્વપૂર્ણ મોરચે આવી ગઈ છે.’ એમ કહેતા સોનિયા ગાંધીએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના વખાણ કર્યા હતા અને તેના માટે અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો - એ લોકો કહે છે કે મોદી તેરી કબ્ર ખુદેગી, દેશ કહે છે કે મોદી તેરા કમલ ખિલેગા : પીએમ
સંબોધન દરમિયાન સોનિયા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા અને ભારત જોડો યાત્રાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘બંધારણીય સંસ્થાઓ ભાજપ-આરએસએસના નિયંત્રણમાં છે અને સરકાર બંધારણીય મૂલ્યોને કચડી રહી છે. ભારત જોડો યાત્રાએ લોકો સાથે કોંગ્રેસના જોડાણને જીવંત કર્યું છે.’ સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે, ‘દેશ અને કોંગ્રેસ પાર્ટી માટે આજનો સમય પડકારજનક છે. દલિત-લઘુમતીઓ અને મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે જ્યારે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને ટેકો આપી રહી છે.’
પોતાના સંબોધન દરમિયાન સોનિયા ગાંધીએ કાર્યકરોને કોંગ્રેસની તાકાત જણાવતા કહ્યું કે, પાર્ટી દેશના હિત માટે લડશે. સોનિયા ગાંધીએ અંગત હિતોને બાજુ પર રાખીને અનુશાસન સાથે કામ કરવાનો મંત્ર આપ્યો. તેમણે એમ પણ કહ્યું ક। મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં અમે ચોક્કસપણે સફળ થઈશું.
આ પણ વાંચો - પ્રિયંકા ગાંધીના જીવનમાં ૧૩ વર્ષની વયે ફૂટી હતી પ્રેમની કુંપળ
સોનિયા ગાંધીના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોનિયા ગાંધીના નિવેદનને લઈને માનવામાં આવી રહ્યું છે કે, તેઓ પોતાની ઈનિંગ્સનો અંત કરી રહ્યા છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણમાં પોતાની ઈનિંગ્સનો અંત લાવવાનો સંકેત આપ્યો છે.


