ધરમશાલામાં પૂરમાં ૨૦ જેટલા મજૂરો તણાયા, બે ડેડ બૉડી મળી : કુલુમાં પિતા અને પુત્રી સહિત ત્રણ જણ તણાઈ ગયાઃ ભૂસ્ખલનથી આદિકૈલાશનો રસ્તો બંધ થઈ ગયો
ગઈ કાલે કુલ્લુ જિલ્લાની સૈંજ વૅલીમાંથી વહેતું નદીનું પાણી.
હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં એકસાથે ત્રણ જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. સૈંજ ખીણમાં વાદળ ફાટવાની ઘટના બનતાં જીવા નાળામાં જોરદાર પૂર આવ્યું હતું, જેને કારણે આસપાસના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવી છે. આ નાળામાં પિતા-પુત્રી સહિત ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ સિવાય ગઢસા ખીણના શિલાગઢ અને બંજરના હોરાંગગઢમાં વાદળ ફાટ્યું હતું. બીજી તરફ ભૂસ્ખલનથી આદિકૈલાશનો રસ્તો બંધ થઈ ગયો હતો.
ધરમશાલામાં ગઈ કાલે ભારે વરસાદ પડતાં ખાનિયારા વિસ્તારના સોકની દા કોટમાં ઇન્દિરા પ્રિયદર્શિની હાઇડ્રલ પ્રોજેક્ટમાં કામ કરતા ૧૫થી ૨૦ કામદારો માનુની નદીમાં તણાઈ ગયા હતા. બે કામદારોના મૃતદેહ મળી આવ્યા છે.
ADVERTISEMENT
માનુની નદી સામાન્ય દિવસોમાં સૂકી રહે છે, પરંતુ ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવ્યું હતું અને નદી કિનારે બનેલા શેડમાં રહેતા કામદારો પૂરમાં ફસાઈ ગયા હતા.
સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર પાર્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. જોકે હજી સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી, પરંતુ સાવચેતીનાં પગલાંરૂપે લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપવામાં આવી છે.
ભારે વરસાદની ચેતવણી
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. કેરલાના વાયનાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચુરલામાલામાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે મુદક્કાઈ, ચુરલામાલા, અટ્ટમાલા અને અન્ય વિસ્તારોમાં ભૂસ્ખલનથી ૩૬૯ લોકોનાં મોત થયાં હતાં.
ચંડીગઢ અને હરિયાણામાં પહોંચ્યું મૉન્સૂન
ચંડીગઢ અને હરિયાણામાં મૉન્સૂન પહોંચી ગયું છે. ૩૦ જૂન સુધીમાં પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદની આગાહી છે.
આદિકૈલાશ રોડ બંધ થયો
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ધારચુલા-લિપુલેખ રોડ પર ભૂસ્ખલન થતાં આદિકૈલાશ રોડ બંધ થઈ ગયો હતો. આ રોડની બન્ને બાજુ વાહનો ફસાયેલાં છે. ગઈ કાલે સવારે હલ્દવાનીમાં એક કાર નહેરમાં પડી જતાં કારમાં સવાર સાતમાંથી ૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ત્રણ દિવસનું એક બાળક પણ સામેલ છે.


