લદાખ પોલીસ દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટ અનુસાર લદાખમાં ભારત અને ચીનની સીમા પર બંને દેશોના સૈનિકોની વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ લદાખમાં ભારત અને ચીન સરહદ પર ચીનના આર્મ્ડ ફોર્સિસની તૈયારીઓ ભારત માટે ચિંતાજનક છે. ભારતીય પોલીસના એક સુરક્ષા અંદાજ અનુસાર લદાખમાં ભારત અને ચીનની સીમા પર બંને દેશોના સૈનિકોની વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ શકે છે. આ રિપોર્ટ અનુસાર લદાખ ક્ષેત્રમાં ચીન પોતાની સૈન્યશક્તિને સતત વધારી રહ્યું છે.
ન્યુઝ એજન્સી રૉઇટર્સ અનુસાર આ સીક્રેટ રિપોર્ટ લદાખ પોલીસે તૈયાર કર્યો છે. લદાખ પોલીસે ૨૦થી ૨૨ જાન્યુઆરી સુધીમાં દેશના ટોચના પોલીસ ઑફિસરોની કૉન્ફરન્સમાં આ સીક્રેટ રિપોર્ટને રજૂ કર્યો હતો. લદાખ પોલીસે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા મેળવવામાં આવેલી સુરક્ષા ઇનપુટ્સના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. એ સિવાય આ રિપોર્ટને તૈયાર કરવામાં ભારત અને ચીનની વચ્ચે અનેક વર્ષોના લશ્કરી તનાવની પૅટર્નને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ રિપોર્ટમાં ચીનની આર્મીનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે પોતાના દેશની મજબૂરી અને એ સિવાય આ ક્ષેત્રમાં ચીનના આર્થિક હિતોને જોતાં ચીનની આર્મી આ ક્ષેત્રમાં લશ્કરી તાકાત વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું ચાલુ જ રાખશે. એ સિવાય આ ક્ષેત્રમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ઘર્ષણ અને લડાઈ ચાલતી રહેશે.
આ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ પર ભારતના વિદેશ અને સંરક્ષણ મંત્રાલય પાસેથી રીઍક્શન માગવામાં આવ્યું હતું, પરંતુ તેમના તરફથી કોઈ કમેન્ટ આવી નથી. ચીનના વિદેશ મંત્રાલયે પણ આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી.
નોંધપાત્ર છે કે ભારત અને ચીનની વચ્ચે સૌપ્રથમ ઘર્ષણ જૂન ૨૦૨૦માં થયું હતું. એ સમયે ગલવાન ખીણમાં પૅટ્રોલિંગ કરવા ગયેલા ભારતીય સૈનિકો પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. જોકે ભારતના જવાનોએ ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ હુમલામાં ચીનના અનેક સૈનિકો મરી ગયા હતા. જેના પછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ફરીથી ઘર્ષણ થયું હતું. એ દરમ્યાન ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી.

