લિકર પૉલિસીને લઈને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાનને ત્યાં સીબીઆઇએ પાડ્યા દરોડા

નવી દિલ્હીમાં ગઈ કાલે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના નિવાસસ્થાને દરોડા દરમ્યાન પોલીસ-કર્મચારીઓ સાથે સીબીઆઇનો અધિકારી.
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના પ્રિમાઇસિસ પર ગઈ કાલે સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. દિલ્હી લિકર પૉલિસીમાં ભ્રષ્ટાચારના આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની સરકારે આ આરોપને ફગાવી દીધો છે. સીબીઆઇએ દિલ્હીમાં સિસોદિયાના ઘરે તેમ જ સાત રાજ્યોમાં અન્ય ૨૦ સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. કૉન્ગ્રેસના નેતાઓ વિરુદ્ધ જ્યારે પણ સીબીઆઇ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ પાર્ટી કેન્દ્ર સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ મૂકે છે. જોકે હવે જ્યારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ મામલે કૉન્ગ્રેસ બીજેપીની સાથે છે.
સીબીઆઇએ આ કેસમાં એફઆઇઆર દાખલ કર્યો છે અને નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવેલી દિલ્હી એક્સાઇઝ પૉલિસીની તપાસ કરી રહી છે. આ પૉલિસી હેઠળ ખાનગી કંપનીઓને લિકર શૉપ ચલાવવા માટે લાઇસન્સ આપવામાં આવે છે.
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ મનીષ સિસોદિયા હેઠળ છે. તેમનું કહેવું છે કે સરકારી લિકર આઉટલેટ્સમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે જ આ પૉલિસી લાવવામાં આવી હતી.
ગઈ કાલે સવારે સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે મારા ઘરે સીબીઆઇ આવી છે. હું આ તપાસ એજન્સીને સહકાર આપીશ, તેમને મારી વિરુદ્ધ કશું જ નહીં મળે.
સિસોદિયાએ કહ્યું હતું કે હેલ્થ અને એજ્યુકેશન સેક્ટર્સમાં દિલ્હી સરકારની એક્સલન્ટ કામગીરીથી કેન્દ્ર સરકારને મુશ્કેલી થઈ રહી છે. એટલા માટે જ આ બન્ને ડિપાર્ટમેન્ટ્સના પ્રધાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. દિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દર જૈન મે મહિનાથી જેલમાં છે.
આમ તો દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલાં જ જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ સિસોદિયાને ટાર્ગેટ બનાવશે.
દરમ્યાન, કૉન્ગ્રેસના નેતા અને દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના દીકરા સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે સીબીઆઇએ કાર્યવાહી કરવામાં ખાસ્સો વિલંબ કર્યો છે. તેમણે લિકર પૉલિસી સિવાય દિલ્હીમાં ટીચર્સની ભરતીમાં પણ ગોટાળાનો આરોપ મૂક્યો છે.
બીજી તરફ કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે ‘એજન્સીઓના સતત દુરુપયોગનું એક મોટું નુકસાન એ પણ છે કે જ્યારે એજન્સી યોગ્ય કામગીરી કરે ત્યારે પણ એને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે. એટલે કરપ્ટ લોકો દુરુપયોગનું કારણ આગળ ધરીને બચી જાય છે અને જે લોકો પ્રામાણિકતાથી જનતાના મુદ્દાઓ ઉઠાવે છે તેઓ દુરુપયોગના ભોગ બને છે.’
કેજરીવાલ સીબીઆઇના ઇન્ફૉર્મર?
આમ આદમી પાર્ટી પર શાબ્દિક હુમલો કરતાં બીજેપીએ ગઈ કાલે દાવો કર્યો હતો કે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જ કદાચ દિલ્હીમાં નવી એક્સાઇઝ પૉલિસીના સંબંધમાં સિસોદિયા દ્વારા ભ્રષ્ટાચાર વિશે સીબીઆઇને માહિતી આપી હોઈ શકે છે. પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં બીજેપીના સંસદસભ્ય પ્રવેશ વર્માએ કહ્યું હતું કે ‘એ શક્ય છે કે અરવિંદ કેજરીવાલ જ સીબીઆઇના ઇન્ફૉર્મર હોય અને તેમણે અંદરની તમામ માહિતી આપી હોય. કેજરીવાલને કદાચ સિસોદિયા અને ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દર જૈનની વધતી પૉપ્યુલરિટીથી ડર લાગ્યો હોઈ શકે છે.’
લિકરના એક વેપારીએ સિસોદિયાના સાથીને એક કરોડ રૂપિયા આપ્યા હતા
સીબીઆઇએ એના એફઆઇઆરમાં દાવો કર્યો છે કે દારૂના એક વેપારીએ મનીષ સિસોદિયાના એક સાથી દ્વારા ચલાવવામાં આવતી એક કંપનીને એક કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. સીબીઆઇના એફઆઇઆરમાં ૧૫ જણનાં નામ છે. સિસોદિયા સિવાય એ સમયના એક્સાઇઝ કમિશનર અરવા ગોપીક્રિષ્ના, એ સમયના ડેપ્યુટી એક્સાઇઝ કમિશનર આનંદ કુમાર તિવારી, અસિસ્ટન્ટ એક્સાઇઝ કમિશનર પંકજ ભટનાગર અને ૯ બિઝનેસમેન તેમ જ બે કંપનીઓનાં પણ આરોપી તરીકે નામ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાની ઑફિસ તરફથી રેફરન્સના આધારે આ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઇએ આરોપ મૂક્યો હતો કે સિસોદિયા અને અન્ય આરોપીઓએ સક્ષમ ઑથોરિટીની મંજૂરી વિના એક્સાઇઝ પૉલિસીના સંબંધમાં નિર્ણય લીધા હતા અને ભલામણ કરી હતી. જેમાં ગેરરીતિ આચરવામાં આવી હતી.