Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતના વિકાસનો નવો અધ્યાય વપરાશ આધારિત વિકાસ

ભારતના વિકાસનો નવો અધ્યાય વપરાશ આધારિત વિકાસ

Published : 02 February, 2025 02:31 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું કેન્દ્રીય બજેટ વપરાશ (કન્ઝમ્પ્શન) પર આધારિત આર્થિક વિકાસ તરફ લઈ જનારું છે. આ બજેટની જોગવાઈઓ દ્વારા લોકોના હાથમાં ખર્ચ માટે વધારે રકમ ઉપલબ્ધ રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેવેન ચોકસી માર્કેટ-ઇકૉનૉમીના એક્સપર્ટ




નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું કેન્દ્રીય બજેટ વપરાશ (કન્ઝમ્પ્શન) પર આધારિત આર્થિક વિકાસ તરફ લઈ જનારું છે. આ બજેટની જોગવાઈઓ દ્વારા લોકોના હાથમાં ખર્ચ માટે વધારે રકમ ઉપલબ્ધ રહેશે, રોકાણો વધશે અને કરવેરાની નીતિઓ સર્વાંગી બનશે અને એ રીતે દેશના અર્થતંત્રને ગતિ મળશે. અહીં નોંધવું ઘટે કે ગત દાયકામાં સરકારે ત્રણ અલગ-અલગ તબક્કામાં પદ્ધતિસર રીતે પ્રગતિનો માર્ગ સુનિશ્ચિત કર્યો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ સુધીના ગાળામાં સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાર પછીનાં પાંચ વર્ષમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાયો હતો. હવે (૨૦૨૫-૨૦૨૯માં) માગ આધારિત આર્થિક વિકાસ પર લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું છે.


સરકારે આ વખતે વ્યક્તિગત કરવેરામાં આપેલી રાહત સૌથી મોટી છે. આવકવેરાની મુક્તિમર્યાદા ૭ લાખથી વધારીને ૧૨ લાખ કરવામાં આવી એ પગલું મોટું પરિવર્તન લાવનારું છે. એને લીધે કરદાતાઓ પાસે ખર્ચવા માટે વધુ રકમ ઉપલબ્ધ રહેશે તથા એ રીતે વધુ કરદાતાઓ ઔપચારિક અર્થતંત્રમાં પ્રવેશી શકશે.

રાજકોષીય દૃષ્ટિએ જોઈએ તો આ બજેટ દ્વારા ૫૦.૬૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નિર્ધારાયું છે અને રાજકોષીય ખાધનો લક્ષ્યાંક કુલ રાષ્ટ્રીય પેદાશના ૪.૪ ટકા રાખવામાં આવ્યો છે. આમ, રાજકોષીય શિસ્ત સાથે આર્થિક વિકાસ થશે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૧.૨૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રમાણ વાર્ષિક ધોરણે ૧૦ ટકા વધારે છે.


વ્યક્તિગત કરદાતાઓને મળેલી કરરાહતને પગલે અર્થતંત્રમાં મોટા પાયે નાણાં ફરતાં થશે. એનો લાભ નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, પર્યટન, એમએસએમઈ અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રોને થશે.  સરકારી ઍસેટના વેચાણ દ્વારા ૧૦ લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાના આયોજનને લીધે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મૂડી ઉપલબ્ધ થશે અને લાંબા ગાળાના રોકાણને વેગ મળશે. વીમા ક્ષેત્રે પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારીને ૧૦૦ ટકા કરવામાં આવી હોવાથી આ ક્ષેત્રે ઘણું ઝડપી પરિવર્તન આવશે. હવે એમાં વિદેશી મૂડી વધારે પ્રમાણમાં આવી શકશે અને ઉદ્યોગ વધુ સ્પર્ધાત્મક બનશે. માઇક્રો-ઇન્શ્યૉરન્સ મૉડલ લાવવામાં આવ્યું છે જેને પગલે વીમાની જાળ વધુ વિસ્તરશે. ઓલા/ઉબરના દરેક રાઇડ આધારિત વીમાની જેમ દરેક વ્યવહાર દીઠ પ્રીમિયમ ચાર્જ કરવાના આ મૉડલને લીધે આર્થિક માળખું પણ દેશના તમામ નાગરિકો સુધી પહોંચી શકશે.

ઇક્વિટી માર્કેટની દૃષ્ટિએ જોઈએ તો હાલમાં આવેલો ઘટાડો ચિંતાને બદલે છુપો આશીર્વાદ ગણવો જોઈએ. ભવિષ્ય માટેનો મજબૂત પોર્ટફોલિયો રચવા માટેની આ તક છે. આથી માર્કેટમાં આવનારા દરેક કરેક્શનને આ દાયકાની રોકાણની ઉત્તમ તક માનવી જોઈએ. ઇક્વિટીમાં લાંબા ગાળા માટે રોકાણ કરવા હાલ ઘણો સારો સમય છે.

બજેટમાં દેશની સૌથી મહત્ત્વપૂર્ણ સંપદા એટલે જનતા પર લક્ષ કે​ન્દ્રિત કરવામાં આવ્યું છે

આશિષ કુમાર ચૌહાણ NSEના  MD-CEO

સરકારે વિકાસ માટેનાં મજબૂત પગલાં ભરવાની સાથે-સાથે રાજકોષીય સમજદારી દાખવી છે. ઉપરાંત મૂડીગત ખર્ચ વધારવામાં આવ્યો છે તથા કરવેરાનો બોજ ઘટાડવામાં આવ્યો છે. આ રીતે ભારતની વૃદ્ધિનો વેગ હજી વધે એવી જોગવાઈઓ કરવામાં આવી છે. જનતાના હાથમાં ખર્ચ કરવા માટે વધુ રકમ બાકી રહે એવા પગલાને લીધે વપરાશમાં વૃદ્ધિ થશે અને પરિણામે બજારો થકી ભારતીય પરિવારોને સંપત્તિસર્જનની વધુ તકો મળશે. હાલ ૧૧ કરોડ નવા રોકાણકારો છે અને હવે એમાં વધુ લોકો ઉમેરાશે. આ રીતે ભારતના અર્થતંત્રના વિકાસનો લાભ તેમને પણ મળશે. સરકારે રોજગાર, શિક્ષણ, આરોગ્યસેવા, મહિલા સશક્તીકરણ માટેનાં સામાજિક કલ્યાણનાં અનેક પગલાં ભર્યાં છે અને યુવાનો, ખેડૂતો, MSME તથા સ્ટાર્ટઅપ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એકંદરે આ બજેટમાં દેશની સૌથી મહત્ત્વપૂર્ણ સંપદા એટલે જનતા પર લક્ષ કે​ન્દ્રિત કરવામાં આવ્યું છે.

વિકસિત ભારતની દિશામાં લઈ જતું સંતુલિત અને પ્રભાવી બજેટ

જિતેન્દ્ર શાહ ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર- FAMના અધ્યક્ષ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારનું આ બજેટ વેપાર-ઉદ્યોગ અને મધ્યમ વર્ગને રાહત આપનારું બની રહેશે. ટૂંકાં સાધનો છતાં સરકારે આર્થિક વિકાસને ગતિ આપવા નક્કર જોગવાઈઓ આ બજેટમાં કરી છે.

સ્ક્રૅપ મેટલ પર કસ્ટમ્સ ડ્યુટીનો સરચાર્જ હટાવવામાં આવવાને કારણે સ્ટીલ ઉદ્યોગ અને અન્ય મેટલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. મધ્યમ વર્ગને ઇન્કમ-ટૅક્સમાં રાહત આપવામાં આવી છે. ૧૨ લાખ સુધીની આવક પર ટૅક્સની રાહત આપવાને લીધે લોકોનો સ્પેન્ડિંગ પાવર વધશે અને સાથે બચતમાં પણ વધારો થશે. રેલવે, ઍરપોર્ટ, બંદરો, હાઇવેનો વિસ્તાર થવાથી ઉદ્યોગો અને રોજગારને પ્રોત્સાહન મળશે. એક જ નામ પર બે ઘર ખરીદવાની સુવિધા મળતાં હવે હાઉસિંગ અને બાંધકામ ઉદ્યોગને વેગ મળશે. આમ સરકારે વેપાર-ઉદ્યોગ સાથે મધ્યમ વર્ગને શક્તિશાળી બનાવવો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ માતબર રોકાણ કરીને ‘વિકસિત ભારત’ની દિશામાં મક્કમ પગલાં માંડ્યાં છે.

રિયલ એસ્ટેટ, હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને પ્રોત્સાહન

જિતેન્દ્ર મહેતા MCHI-થાણેના પ્રેસિડન્ટ

નિર્મલા સીતારમણે રજૂ કરેલા આ બજેટમાં એવી અનેક બાબતોને સમાવી લેવાઈ છે જેના કારણે રિયલ એસ્ટેટ, હાઉ​સિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન મળશે. સરકારે અર્બન ડેવલપમેન્ટ હેઠળ પર્યાવરણને કોઈ જાતની હાનિ પહોંચાડ્યા વગર સૌને સમાન તક મળે, મોકો મળે એ બાબતનું ધ્યાન રાખ્યું છે અને અફૉર્ડેબલ હાઉસિંગ માટે ફન્ડિંગ વધારી દીધું છે. હોમ લોન પર જે વ્યાજ ચૂકવવામાં આવે છે એ વ્યાજ પર પહેલાં બે લાખ સુધી ટૅક્સની છૂટ મળતી હતી અને એ ઉપરની વ્યાજની રકમ પર ટૅક્સ ભરવો પડતો હતો. હવે સરકારે એ ​લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે જેને કારણે લોકોને સારી એવી રાહત મળશે અને એથી હાઉસિંગની ડિમાન્ડમાં પણ ઉછાળો આવશે. 

રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) એક્ટ–રેરા અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણી જ ટ્રાન્સ્પરન્સી આવી છે. પહેલાં જે  છેતરપિંડી થતી હતી એ ઘટી છે. ફન્ડનો મિસયુઝ થતો અટક્યો છે અને પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થઈ રહ્યા છે.

સરકાર નૅશનલ લેવલ પર કને​ક્ટિવિવીટી અને ઇકૉનૉમિક ગ્રૉથ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરી રહી છે. રોડ, હાઇવે અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટસ અમલમાં મુકાઈ રહ્યા છે. પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર વિકાસ કરવા પર અને લોકોના જીવનધોરણને ઊંચે લાવવા એનર્જી, ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.  આ માટે જે પૉલિસીઓ બનાવવામાં આવી રહી છે એનાથી વધુ રોજગાર ઊભા થશે અને ઇકૉનૉમિક ડેવલપમેન્ટ પણ થશે.

ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગમાં આંતરરાષ્ટ્રીય બજારને અનુરૂપ સપ્લાય-ચેન અને ઇકોસિસ્ટમમાં ભારતીય ઉત્પાદકો સક્ષમ બનશે

મિતેશ મોદી નૅશનલ જનરલ સેક્રેટરી, ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન

મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા સરકારે આ બજેટમાં LED ટીવીની પૅનલ્સ પર કસ્ટમ્સ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી છે, જેથી ટીવીઉત્પાદકો આ પૅનલનું ઘરઆંગણે ઉત્પાદન તાત્કાલિક ધોરણે શરૂ કરે. આના કારણે હાલમાં નાના યુનિટ્સ જે LED ટીવી અૅસેમ્બલિંગ કરે છે એમની કૉસ્ટ વધતાં અનબ્રૅન્ડેડ LED ટીવીના ભાવ થોડા વધી જશે.

એ જ રીતે સરકારે લિથિયમ આયન બૅટરી જે મોબાઇલ ફોન્સ અને ઇલે​ક્ટ્રિક વેહિકલ્સમાં વપરાય છે એ ઘરઆંગણે મૅન્યુફૅક્ચરિંગ થાય એ માટે એ બનાવવા માટેના કૅપિટલ ગુડ્સ પર કસ્ટમ્સ ડ્યુટીમાં એક્ઝમ્પ્શન આપ્યું છે, જે આવકારદાયક પગલું છે.

બીજી એક મહત્ત્વની જાહેરાતમાં ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગ સ્કીમ્સ માટે સરકારે કર-નિશ્ચિતતાની રજૂઆત કરી છે. કર-નિશ્ચિતતાનું મૂળભૂત ધ્યેય એ છે જે વૈશ્વિક કર લૅન્ડસ્કેપમાં સ્થિરતા અને આગાહી સુનિશ્ચિત કરે છે. એ અસરકારક વિવાદ-નિવારણ અને નિરાકરણ-પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિઓ કરદાતાઓ અને કર-વહીવટ બન્ને માટે અનિશ્ચિતતાઓને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

આના કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને ભારતમાંનાં મોટાં બિઝનેસ હાઉસિસ ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં કરની અનિશ્ચિતતાઓનો ડર ફગાવીને પ્રવેશ કરશે અને ઇન્વેસ્ટ કરશે. આના કારણે ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગમાં આંતરરાષ્ટ્રીય બજારને અનુરૂપ સપ્લાય-ચેન અને ઇકોસિસ્ટમમાં ભારતીય ઉત્પાદકો સક્ષમ બનશે.

સરકારે જ્યારે ગયા વર્ષે સેમીકન્ડક્ટર પૉલિસી જાહેર કરી ત્યાર બાદ ઇલેક્ટ્રૉનિક હાર્ડવેર મૅન્યુફૅક્ચરિંગ ભારતમાં વધે એ માટે પ્રોત્સાહક પગલાંઓ જાહેર કરાશે એવી આશા હતી. આ બજેટમાં એ બાબત વધુ કંઈ ખુલાસો કરાયો નથી, પરંતુ સરકારના અને મીડિયાના આંતરિક અહેવાલો મુજબ સરકાર નજીકના ભવિષ્યમાં જ ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ માટે PLI સ્કીમ જાહેર કરશે, જેનું વૉલ્યુમ લગભગ ૪૦,૦૦૦ કરોડ આસપાસ રહેશે. આ સ્કીમ લાગુ થયા પછી ઇલેક્ટ્રૉનિક હાર્ડવેર મૅન્યુફૅક્ચરિંગમાં આત્મનિર્ભરતા તરફ ભારત વધુ એક ડગલું માંડશે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2025 02:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK