ડાબેરી પાર્ટીઓએ શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટેનું આમંત્રણ ફગાવતાં કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ આમ જણાવ્યું.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : અયોધ્યામાં આવતા મહિને શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં ધારણા મુજબ જ એ પૉલિટિકલ મુદ્દો બન્યો છે. બાવીસમી જાન્યુઆરીએ થનારા પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટેનું આમંત્રણ ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ અને ઍક્ટર્સને મોકલવામાં આવ્યાં છે. જોકે વિપક્ષોને મોકલવામાં આવેલા આમંત્રણની જ વધુ ચર્ચા થઈ રહી છે.
સીપીઆઇ (એમ)ના લીડર બ્રિન્દા કરાતે આ સમારોહમાં નહીં જવાના પાર્ટીના નિર્ણય વિશે ગઈ કાલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમે જવાના નથી. અમે ધાર્મિક માન્યતાઓને માન આપીએ છીએ, પરંતુ તેઓ ધાર્મિક પ્રોગ્રામને પૉલિટિક્સની સાથે જોડી રહ્યા છે. ધર્મનો રાજકીય હથિયાર તરીકે કે પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે ઉપયોગ કરવો યોગ્ય નથી.’
હવે કરાતને જવાબ આપતાં કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે ‘આયોજકોએ તો બધાને જ આમંત્રણ મોકલ્યું છે, પરંતુ એ લોકો જ પહોંચશે કે જેમને ભગવાન શ્રીરામે બોલાવ્યા હોય.’
ADVERTISEMENT
બીજેપી સરકાર રામરાજ્યની વાત કરે છે, પરંતુ એ ભેદભાવ કરે છે. જો અમને ઇન્વિટેશન આપવામાં આવશે તો અમે ચોક્કસ જઈશું અને નહીં આપવામાં આવે તો અમે બાદમાં જઈશું.
ડિમ્પલ યાદવ, સમાજવાદી પાર્ટીનાં એમપી
