મેઘાલયના મુખ્ય પ્રધાન કોનાર્ડ સંગમાએ અમિત શાહને ફોન કરીને માગ્યો ટેકો, ઉત્તર પૂર્વનાં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન મોદીએ કાર્યકરોને પાઠવ્યાં અભિનંદન

બીજેપીએ નાગાલૅન્ડ-ત્રિપુરામાં સત્તા જાળવી રાખી, મેઘાલયમાં સંગમા સરકારને આપશે ટેકો
નવી દિલ્હી : નૉર્થ ઈસ્ટનાં ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને અન્ય પક્ષોની સરખામણીમાં ઘણો લાભ થયો છે. પ્રાપ્ય પરિણામો અનુસાર લેફ્ટ પાર્ટીઓ અને કૉન્ગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા ઉપરાંત તિપ્રા મોઠાનો પડકાર છતાં બીજેપીએ ત્રિપુરામાં સત્તા જાળવી રાખી છે. નાગાલૅન્ડમાં એનડીપીપી-બીજેપી ગઠબંધન ૬૦ સભ્યોની વિધાનસભામાં ૩૫ સીટ જીતી ચૂક્યું છે અને અન્ય બે સીટ પર આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ મેઘાલયમાં ત્રિશંકુ સરકાર રચાય એવા સંજોગ દેખાઈ રહ્યા છે.
ત્રિપુરા
આ વખતે બીજેપી માટે સત્તા જાળવી રાખવાનું અઘરું જણાવવામાં આવી રહ્યું હતું, કારણ કે રાજ્યમાં લેફ્ટ અને કૉન્ગ્રેસે જોડાણ કર્યું હતું કે અને પ્રદ્યોત દેબ બર્માના નેતૃત્વમાં તિપ્રા મોથા નામનો એક નવો પડકાર ઊભો થયો હતો, જેણે પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને કુલ ૧૩ સીટ મેળવી હતી, પરંતુ કિંગમેકર બનવાની તેની ઇચ્છા પૂર્ણ થઈ શકી નહોતી, કારણ કે લેફ્ટ અને કૉન્ગ્રેસના જોડાણને માત્ર ૧૪ સીટ જ મળી હતી હતી, એને પરિણામે બીજેપી એકલા હાથે સત્તામાં આવી ગયું હતું. બીજેપી અને ઇન્ડિજિનીયસ પીપલ્સ ફ્રન્ટને કુલ ૩૨ સીટ મળી જેમાં બીજેપીની ૩૧ સીટ છે. તિપ્રા મોથાએ ૧૩ સીટ મેળવી હતી જે લેફ્ટ કરતાં વધારે હતી. લેફ્ટને ૧૧ સીટ અને કૉન્ગ્રેસ માત્ર ૩ સીટ પર વિજયી થઈ હતી. ડૉ. માણિક સહા મુખ્ય પ્રધાન તરીકે યથાવત્ રહેશે.
નાગાલૅન્ડ
બીજેપી અને નૅશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીનું ગઠબંધન કુલ ૬૦ પૈકી ૩૭ સીટ જીતી ચૂકી છે તેમ જ બે સીટ પર આગળ છે. નાગાલૅન્ડમાં ગયા વખતે અભૂતપૂર્વ સ્થિતિ હતી, જેમાં રાજ્યમાં કોઈ વિપક્ષ નહોતો. તમામ પક્ષોએ નૅશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને ટેકો આપ્યો હતો. નૅશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને બીજેપી અનુક્રમે ૪૦ અને ૨૦ બેઠકો પર ચૂંટણીઓ લડી હતી. બીજેપી ૧૧ બેઠકો જીતી હતી તો ૧ સીટ પર આગળ ચાલી રહી છે. નૅશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા અને નાગાલૅન્ડના મુખ્ય પ્રધાન નેઇફિયુ રિયો નૉર્ધર્ન અંગામી વિધાનસભા બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવારને ૧૫,૮૨૪ મતથી હરાવીને વિજયી બન્યા હતા.
મેઘાલય
ઉત્તર પૂર્વના આ રાજ્યમાં કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમત મળ્યો નથી. રાજ્યમાં એનપીપી ફરી એક વાર સૌથી મોટા પક્ષ તરીકે આગળ આવી છે અને એને રાજ્યમાં ૨૬ સીટો પર સફળતા મળી છે. બીજેપીને માત્ર બે સીટ પર જીત મળી છે, તો મમતા બૅનરજીની ટીએમસી પાંચ બેઠક જીતી છે. એચએસપીડીપીને બે સીટ પર જીત મળી છે, તો અપક્ષો પણ જીત્યા છે. કૉન્ગ્રેસે મેઘાલયમાં પાંચ સીટ પર જીત મેળવી છે. પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ બે સીટ જીતવામાં સફળ રહ્યો છે. યુડીપીના ઉમેદવારને ૧૧ સીટ પર સફળતા મળી છે. દરમ્યાન મેઘાલયમાં બીજેપી એનપીપીને ટેકો આપશે. મેઘાલયના બીજેપીના પ્રમુખે કહ્યું કે જે પી નડ્ડાએ એનપીપીને ટેકો આપવાનું કહ્યું છે. મેં મુખ્ય પ્રધાન કોનાર્ડ સંગમા સાથે વાત કરીને પક્ષના નિર્ણયની તેમને જાણ કરી છે. તેમને મળીને ટેકાનો પત્ર આપીશું. મેઘાલયમાં ખુદ મુખ્ય પ્રધાન સંગમાએ યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહનો સંપર્ક કરી તેમની પાસે ટેકો માગ્યો હતો. મેઘાલયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મુકુલ સંગમા એક સીટ જીત્યા હતા, તો એક સીટ પર હારી ગયા હતા. તેઓ તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાયા છે.
આઠવલેની પાર્ટીના બે ઉમેદવાર જીત્યા
સાંસદ રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના બે ઉમેદવાર નાગાલૅન્ડમાં જીત્યા છે. આઠવલેએ કહ્યું હતું કે એમની પાર્ટી એનડીએની સાથે છે. તેમ જ અમે ઇચ્છીએ કે અમને પણ સત્તામાં ભાગીદારી મળે. હું આ મામલે બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરીશ.
નાગાલૅન્ડની પહેલી મહિલા વિધાનસભ્ય
નાગાલૅન્ડમાં પહેલી મહિલા વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલી એનડીપીપી નેતા હેકાની જખાલુ જીતી છે. તેઓ દિમાપુર-૩ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં છે. ૧૯૬૩માં નાગાલૅન્ડને રાજ્યનો દરજ્જો મળ્યા બાદ અત્યાર સુધી કોઈ પણ મહિલા વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ નહોતી.
નેઇફિયુ રિયો સતત પાંચમી વખત મુખ્ય પ્રધાન
નાગાલૅન્ડના રાજકીય દિગ્ગજ અને નૅશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા નેઇફિયુ રિયો સતત પાંચમી વખત રાજ્યના વડા પ્રધાન બન્યા છે. તેઓ નૉર્થ ઈસ્ટના સતત પાંચ વખત મુખ્ય પ્રધાન બનનારા પ્રથમ નેતા છે. રાજ્યમાંથી કૉન્ગ્રેસનો એકડો કાઢવામાં તેમનો ફાળો સૌથી મહત્ત્વનો છે. છેલ્લા પાંચ દાયકાથી તેઓ રાજકારણમાં છે. ૧૯૮૯માં તેઓ કૉન્ગ્રેસમાં જોડાયા હતા. ૨૦૦૨માં તેમણે કૉન્ગ્રેસ છોડીને નાગા પીપલ ફ્રન્ટ નામની પાર્ટી શરૂ કરી હતી. આ વખતે પહેલી વખત રાજ્યમાં બે મહિલા વિધાનસભ્ય પણ ચૂંટાઈ આવ્યા હતા.