જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન (સુધારો) કાયદો, ૨૦૨૩ પહેલી ઑક્ટોબરથી અમલમાં
પ્રતીકાત્મક તસવીર
જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન (સુધારો) કાયદો, ૨૦૨૩ પહેલી ઑક્ટોબરથી લાગુ થશે, જેના પછી હવે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, મતદાતા સૂચિની તૈયારી, આધાર નંબર માટે રજિસ્ટ્રેશન, મૅરેજ રજિસ્ટ્રેશન, સરકારી નોકરીમાં નિમણૂક તેમ જ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા અન્ય હેતુઓ માટે સિંગલ ડૉક્યુમેન્ટ તરીકે બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ થશે.
આ ઍક્ટનો હેતુ રજિસ્ટર્ડ જન્મ અને મૃત્યુનો સંપૂર્ણ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનો ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જોકે અલ્ટિમેટલ ગોલ તો જાહેર સેવાઓમાં પારદર્શિતા અને અસરકારકતામાં સુધારો લાવવાનો તેમ જ સામાજિક કલ્યાણ યોજનાઓના લાભોને ડિજિટલ રજિસ્ટ્રેશન દ્વારા આપવાનો છે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન (સુધારો) કાયદો, ૨૦૨૩ની જોગવાઈઓ પહેલી ઑક્ટોબર ૨૦૨૩થી અમલમાં રહેશે.’
૧૯૬૯ કાયદામાં સુધારો કરવા માટે કેન્દ્રીય રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે બિલ સંસદમાં રજૂ કર્યું હતું. રાજ્યસભા અને લોકસભા બન્નેએ મૉન્સૂન સેશન દરમ્યાન જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન (સુધારો) બિલ, ૨૦૨૩ને પસાર કર્યું હતું.
આ કાયદામાં મહત્ત્વની કઈ જોગવાઈઓ છે
૧) આ કાયદા હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાને રજિસ્ટર્ડ જન્મ અને મૃત્યુના નૅશનલ ડેટાબેઝને જાળવવાનો અધિકાર છે. રાજ્યો દ્વારા નિમાતા ચીફ રજિસ્ટ્રાર્સ અને લોકલ એરિયા માટે રાજ્યો દ્વારા નિમાતા રજિસ્ટાર્સે નૅશનલ ડેટાબેઝની સાથે જન્મ અને મરણના ડેટાને શૅર કરવાના રહેશે. દરેક રાજ્યે રાજ્યના સ્તરે પણ એવો જ ડેટાબેઝ જાળવવાની જરૂર પડશે.
૨) આ પહેલાં ચોક્કસ લોકોએ રજિસ્ટ્રારને કહેવું પડતું હતું કે ક્યારે બાળકનો જન્મ થયો કે ક્યારે કોઈનું મૃત્યુ થયું. હવે આ કાયદામાં જોગવાઈ છે કે બાળકનો જન્મ થાય ત્યારે આ ચોક્કસ લોકોએ બાળકના પેરન્ટ્સ તેમ જ એ માહિતી આપનાર વ્યક્તિના આધાર નંબર્સ અચૂક આપવાના રહેશે, જેમ કે જેલમાં કોઈ બાળકનો જન્મ થાય તો જેલરે એ માહિતી આપવાની રહેશે અને કોઈ હોટેલ કે લૉજમાં બાળકનો જન્મ થાય તો એના મૅનેજરે માહિતી પૂરી પાડવાની રહેશે.
૩) આ નવા કાયદામાં એવી પણ જોગવાઈ છે કે વસ્તીગણતરી રજિસ્ટર્સ, મતદાતા સૂચિ, રૅશન કાર્ડ રેકૉર્ડ્સ જેવા જુદા-જુદા ડેટાબેઝને જાળવવા માટે જવાબદાર અન્ય ઑથોરિટીઝની સાથે પણ નૅશનલ ડેટાબેઝને શૅર કરી શકાય છે.