મતદારયાદીમાંથી ૬ જણનાં નામ નીકળી ગયાં હોવાનો દાવો કરનારી મહિલાનો યુ-ટર્ન
રાહુલ ગાંધી
બિહારમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાને એક ફટકો પડ્યો હતો, કારણ કે રાહુલ ગાંધી સામે પોતાના પરિવારના છ મેમ્બરોનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે એવો દાવો કરનારી મહિલાએ એકાએક યુ-ટર્ન લીધો હતો. રાહુલ ગાંધી બિહારની મતદારયાદીમાં કથિત ગેરરીતિઓ પર પ્રકાશ પાડવા માટે ૧૩૦૦ કિલોમીટરની મતદાર અધિકાર યાત્રા પર નીકળ્યા છે.
ચપલા ગામની રહેવાસી રંજુદેવી ૧૭ ઑગસ્ટે રાહુલ ગાંધીને મળી હતી. કૅમેરા સામે રંજુદેવીએ દાવો કર્યો હતો કે તેના પરિવારના છ સભ્યોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં, પરંતુ બાદમાં તેણે સ્વીકાર્યું હતું કે તેના પરિવારને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો. રંજુદેવીએ સ્પષ્ટતા કરી હતી કે તેના પરિવારનાં નામ મતદારયાદીમાં અકબંધ છે અને તેણે ફક્ત સ્થાનિક અધિકારીઓની સૂચના પર જ મતદારયાદીમાંથી નામ નીકળી ગયાં હોવાની વાત કરી હતી. આ મુદ્દે તેણે કહ્યું હતું કે ‘અમે ગામડાના સરળ લોકો છીએ. અમને જે કહેવામાં આવ્યું હતું એ અમે કહ્યું હતું. વૉર્ડ સભ્ય અને વૉર્ડ સેક્રેટરીએ અમને કહ્યું હતું કે અમારા પરિવારનાં નામ મતદારયાદીમાં નથી તેથી અમે ખૂબ ડરી ગયા હતા. તે લોકો અમને રાહુલ ગાંધી પાસે લઈ ગયા હતા. પછી અમને ખબર પડી કે અમારાં નામ તો મતદારયાદીમાં છે.’
ADVERTISEMENT
રંજુદેવીના પતિ સુધીર રામે તેના દાવાને સમર્થન આપ્યું હતું અને ગોટાળા માટે તેણે વૉર્ડ અધિકારીઓને દોષી ઠેરવ્યા હતા.
રંજુદેવીના નામ નીકળી જવાના દાવા બાદ બીજી તરફ ચૂંટણીપંચે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીની સાથે વાતચીત કરનારી મહિલાના પરિવારના સભ્યોનાં નામ મતદારયાદીમાં નોંધાયેલાં છે.
આ ઘટનાએ રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ નેતૃત્વ માટે શરમજનક સ્થિતિ ઊભી કરી છે, કારણ કે તેઓ વોટચોરીનો આરોપ મૂકી રહ્યા છે. વિપક્ષો દ્વારા સમર્થિત રાહુલ ગાંધીના અભિયાને ચૂંટણીપંચ અને BJP પર મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો છે.


