પોતાની તસવીર સાથેનું ટી-શર્ટ પહેરીને વિરોધ કરનાર સંસદસભ્યોને મિન્તા દેવીનો સવાલ
મિન્તા દેવી, પ્રિયંકા ગાંધી
બિહારમાં મતદારયાદીઓમાં ગરબડના વિરોધમાં વિપક્ષી સંસદસભ્યોએ મંગળવારે ‘૧૨૪ વર્ષનાં મતદાર’ મિન્તા દેવીની તસવીર ટી-શર્ટ પર છપાવીને એ ટી-શર્ટ પહેરીને પ્રદર્શન કર્યું હતું. જોકે બિહારનાં મતદાર મિન્તા દેવીએ આની સામે રોષ પ્રગટ કર્યો હતો. તેમણે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ટી-શર્ટ પર મારો ચહેરો છાપનાર અને એ પહેરીને વિરોધ કરનાર પ્રિયંકા ગાંધી કોણ છે? મારા માટે વિપક્ષના સંસદસભ્યો કોણ છે? મારા માટે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી કોણ છે? તેમને મારી તસવીર દર્શાવતું ટી-શર્ટ પહેરવાનો અધિકાર કોણે આપ્યો?’
મતદારકાર્ડમાં ભૂલ વિશેની જાણકારી આપતાં મિન્તા દેવીએ કહ્યું હતું કે ‘આ વાતની જાણ મને ૨-૪ દિવસ પહેલાં થઈ હતી. મને લાગે છે કે મતદારયાદીમાં વિસંગતતાઓ છે. મને પ્રશાસન તરફથી ફોન નથી આવ્યો. વિપક્ષના સંસદસભ્યો મારા શુભેચ્છક કેમ બની રહ્યા છે? આવું ન થવું જોઈએ, હું આ નથી ઇચ્છતી. હું ઇચ્છું છું કે મારી વિગતો સુધારી લેવામાં આવે. જે કોઈએ વિગતો દાખલ કરી છે, શું તેમણે આંખો બંધ કરીને આવું કર્યું છે? તેમના કારણે મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સંસદસભ્યોના વિરોધ બાદ પત્રકારો મારા ઘરઆંગણે આવી રહ્યા છે.’
ADVERTISEMENT
મતદાર-ઓળખપત્રમાં ભૂલથી મિન્તા દેવીનું જન્મવર્ષ ૧૯૯૦ને બદલે ૧૯૦૦ નોંધાઈ જતાં તેમની ઉંમર ૩૪ નહીં પણ ૧૨૪ વર્ષ પ્રકાશિત થઈ છે. મિન્તા દેવીએ એવું પણ સૂચન કર્યું કે ‘જો રેકૉર્ડમાં મારી ઉંમર ૧૨૪ વર્ષ નોંધાયેલી હોય તો સરકારે મને વૃદ્ધ લોકોને આપવામાં આવે છે એ પેન્શન આપવું જોઈએ. મારા આધાર કાર્ડમાં મારી જન્મ તારીખ ૧૫-૦૭-૧૯૯૦નો ઉલ્લેખ છે.’


