નીતીશ કુમારને મુખ્ય પ્રધાનપદેથી નહીં હટાવું ત્યાં સુધી પાઘડી નહીં ઉતારું એવી પ્રતિજ્ઞા લીધી હતી
અયોધ્યા પહોંચીને પહેલાં મુંડન કરાવ્યું, પછી સરયૂ નદીમાં સ્નાન કર્યું અને ત્યાર બાદ હનુમાનગઢીમાં હનુમાનદાદાનાં દર્શન કરીને રામલલાનાં દર્શને જઈને પાઘડી અર્પણ કરી.
બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સમ્રાટ ચોધરીએ આશરે ૨૨ મહિના બાદ તેમણે પહેરેલી પાઘડીને ઉતારી હતી અને અયોધ્યામાં ભગવાન રામને સમર્પિત કરી હતી. તેઓ ગઈ કાલે અયોધ્યા પહોંચ્યા હતા અને પહેલાં મુંડન કરાવ્યું હતું, ત્યાર બાદ સરયૂ નદીમાં સ્નાન કર્યું હતું. તેમણે હનુમાનગઢી જઈને હનુમાનદાદાનાં દર્શન કર્યા બાદ રામમંદિરમાં રામલલાનાં દર્શન કરીને પાઘડી અર્પણ કરી હતી.
૨૦૨૨માં બિહારમાં નીતીશ કુમારે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નો સાથ છોડીને લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે ગઠબંધન બનાવીને સરકાર રચી ત્યારે ચૌધરીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નીતીશ કુમારને મુખ્ય પ્રધાનપદેથી નહીં હટાવું ત્યાં સુધી હું પાઘડી નહીં ઉતારું. ૨૦૨૪ની શરૂઆતમાં નીતીશ કુમાર NDA સાથે આવી ગયા અને ફરી મુખ્ય પ્રધાન બન્યા. ચૌધરીએ કહ્યું કે નીતીશ કુમાર વિપક્ષના ગઠબંધનથી અલગ થયા એટલે મારી પ્રતિજ્ઞા પૂરી થઈ છે અને એથી મેં પાઘડી ઉતારવાનો નિર્ણય લીધો હતો.

