તાજેતરમાં બનેલી ઘટનામાં મહિલાનો મૃતદેહ સોમવારે સવારે ૧૦થી ૧૧ વાગ્યાની વચ્ચે બૅન્ગલોરમાં બૈય્પનહલ્લી રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર નજીક એક ડ્રમમાંથી મળી આવ્યો હતો.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બૅન્ગલોર : બૅન્ગલોરમાં સોમવારે રેલવે સ્ટેશન નજીક પ્લાસ્ટિકના ડ્રમમાં મહિલાનો મૃતદેહ મળી આવતાં કૉન્ગ્રેસે કર્ણાટક ચૂંટણી પહેલાં બીજેપી પર નિશાન સાધતાં શહેરમાં ‘સિરિયલ કિલર’નો આરોપ મૂક્યો છે. ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ત્રણ મહિલાની લાશ ડ્રમમાંથી સાંપડી હતી. તાજેતરમાં બનેલી ઘટનામાં મહિલાનો મૃતદેહ સોમવારે સવારે ૧૦થી ૧૧ વાગ્યાની વચ્ચે બૅન્ગલોરમાં બૈય્પનહલ્લી રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર નજીક એક ડ્રમમાંથી મળી આવ્યો હતો.
પોલીસે હત્યાનો કેસ ઉકેલી નાખ્યો હોવાનો દાવો કરતાં ૨૭ વર્ષની મહિલા તમન્નાના દિયરે તેની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તમન્ના કથિત રીતે તેના પતિ અફરોઝના બિહારના અરારિયા ગામનું ઘર છોડી તેના સંબંધી ઇન્તેકાબ સાથે નાસી જઈને બૅન્ગલોરમાં રહેતી હતી. અફરોઝના ભાઈ કમાલે ૧૨ ફેબ્રુઆરીએ તેના મિત્રોની મદદથી તમન્નાની કથિત રીતે હત્યા કરી હતી. કમાલ અને તેના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી.