મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ED ટૂંક સમયમાં અશોક ખરાતની પૂછપરછ કરશે
દેવેન્દ્ર ફડણવીસ
સેંકડો મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ ધરાવતા અશોક ખરાતના કેસમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાશિકમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘EDએ આ કેસની નોંધ લીધી છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) ટૂંક સમયમાં એની તપાસ કરશે. એ ઉપરાંત અંજલિ દમણિયાને આ કેસના કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR) ક્યાંથી મળ્યા એની પણ તપાસ કરવામાં આવશે.’
અત્યાર સુધી અશોક ખરાત સામે ૧૨ કેસ નોંધાયા છે. આ કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસ કરી રહી છે અને એનું અપડેટ દરરોજ થઈ શકતું નથી એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અશોક ખરાતના છેતરપિંડીના કેસમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તેના તમામ વ્યવહારની પણ તપાસ કરવામાં આવશે. EDએ આ કેસની માહિતી લીધી છે. હવે EDની તપાસ કરવામાં આવશે.’
ADVERTISEMENT
CDR આવ્યા ક્યાંથી?
સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ અશોક ખરાતના CDRની જાહેરાત કરીને માહિતી આપી હતી કે તેમને કયા નેતા તરફથી કેટલા ફોન આવ્યા હતા. એથી ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તેમને આ CDR મળ્યા ક્યાંથી? આ સંદર્ભે બોલતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કોઈને પણ CDR મેળવવાનો અધિકાર નથી. ફક્ત આ કેસની તપાસ કરી રહેલી તપાસ-એજન્સીને જ એ CDR મેળવવાનો અધિકાર છે એથી આ કેસનો CDR કેવી રીતે બહાર આવ્યો અને એ ક્યાંથી મેળવ્યો એની પણ તપાસ કરવામાં આવશે. અશોક ખરાતના કેસમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.’
