સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ મુખ્ય પ્રધાન હોવા છતાં તેમને તેમની પત્ની સુનીતા કેજરીવાલને ફેસ-ટુ-ફેસ મળવા દેવામાં આવતા નથી.
અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે ગઈ કાલે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં ટૉર્ચર કરવામાં આવી રહ્યા છે, તેમનું મનોબળ તોડવા માટે તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેલના મૅન્યુઅલ મુજબ જેલ પ્રશાસન જેલમાં બંધ લોકોનાં સગાંસંબંધીને મળવા દેવાની સુવિધા આપે છે એમ જણાવીને સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ મુખ્ય પ્રધાન હોવા છતાં તેમને તેમની પત્ની સુનીતા કેજરીવાલને ફેસ-ટુ-ફેસ મળવા દેવામાં આવતા નથી.
તેમને કહેવામાં આવે છે કે મળવું હોય તો વચ્ચે કાચની દીવાલ રહેશે, ખૂંખાર અપરાધી પણ બૅરેકમાં તેમના પરિવારજનોને મળતા હોય છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને પણ જેલમાં કેજરીવાલને મળવા દેવામાં આવતા નથી એમ જણાવીને સંજય સિંહે ઉમેર્યું હતું કે મારા વકીલે મારી અને ભગવંત માનની કેજરીવાલ સાથે ફેસ-ટુ-ફેસ મીટિંગ માટે અરજી કરી હતી અને અમને ટોકન નંબર પણ મળી ગયો હતો, ત્યાર બાદ ઈમેઇલથી અમને જણાવવામાં આવ્યું કે સુરક્ષાના કારણોસર આ મીટિંગ કૅન્સલ કરવામાં આવે છે.
ADVERTISEMENT
BJPના લોકો કેજરીવાલના પરિવારને અપમાનિત કરવા માગે છે. આ જુલમ, અહંકાર અને તાનાશાહી છે. આ જેલમાં સુબ્રત રૉય અને ચંદ્રા બ્રધર્સ પણ રહ્યા છે. તેમના પરિવારજનોની મુલાકાત આમનેસામને કરાવવામાં આવતી હતી. તેમની તો બિઝનેસ-મીટિંગો પણ થતી હતી.