અમેરિકાના સાયન્ટિસ્ટ્સે ચન્દ્રયાન-1ના ડેટાનો સ્ટડી કરીને આ ખુલાસો કર્યો
પૃથ્વીને કારણે ચન્દ્ર પર બની રહ્યું છે પાણી
બૅન્ગલોરઃ ચન્દ્ર પર પાણી કેવી રીતે આવ્યું એની શોધ કરવા માટે સાયન્ટિસ્ટ્સે ચન્દ્રયાન-1ના ડેટાનો સ્ટડી કર્યો તો જાણ થઈ કે એમાં પૃથ્વીનું જ યોગદાન છે. માનવામાં આવી રહ્યું છે કે આપણા ગ્રહની પ્લાઝ્મા શીટમાં હાઈ એનર્જી ઇલેક્ટ્રૉન્સ છે. જેને કારણે જ ચન્દ્ર પર પાણી બની રહ્યું છે. અમેરિકાના મનોવામાં સ્થિત હવાઈ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ્સે આ ખુલાસો કર્યો છે.
મિશન ચન્દ્રયાન-1ના ડેટા અનુસાર પ્લાઝ્મા શીટ્સ મૅગ્નેટોસ્ફિયરમાં જોવા મળે છે. આ એ ક્ષેત્ર છે કે જે પૃથ્વીની ચારેબાજુ હોય છે. એનો કન્ટ્રોલ પૃથ્વીના મૅગ્નેટિક ફીલ્ડમાં હોય છે. એને કારણે સૂર્યના રેડિયેશનથી પૃથ્વીનો બચાવ થાય છે. સોલર વિન્ડ્સ મેગ્નૅટોસ્ફિયરને અવારનવાર પુશ કરે છે જેને કારણે એના આકારમાં ફેરફાર થયા કરે છે તેમ જ રાતના સમયે એ ધૂમકેતુની જેમ દેખાય છે. જેમાં રહેલા પ્લાઝ્મા શીટ્સમાં હાઈ એનર્જી ઇલેક્ટ્રૉન્સ અને આયર્ન હોય છે જે પૃથ્વી અને સોલર વિન્ડ્સને કારણે બને છે. જર્નલ નેચર ઍસ્ટ્રોનોમીમાં પબ્લિશ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર એ તમામ ડેટા ૨૦૦૮-૦૯ દરમ્યાન મિશન ચન્દ્રયાન-1 દ્વારા મેળવવામાં આવ્યો હતો, જેમાં જોવામાં આવ્યું હતું કે જ્યારે ચન્દ્ર પૃથ્વીની મૅગ્નેટોટેઇલ (મેગ્નેટોસ્ફિયરના ચોક્કસ ભાગ)માંથી પસાર થાય છે ત્યારે પાણી બનવાની પ્રક્રિયામાં કેવા પ્રકારનું ચેન્જ આવે છે.
ચન્દ્રને સમજવા માટે સાયન્ટિસ્ટ્સ સતત પ્રયાસ કરી રહ્યા છે. રિસન્ટ્લી ભારતે ચન્દ્રયાન-3 મિશન હેઠળ વિક્રમ લૅન્ડરને ત્યાં લૅન્ડ કરાવ્યું, જેનો હેતુ ચન્દ્રને સારી રીતે સમજવાનો છે. વિક્રમને ચન્દ્રની સપાટી પર ઉતારીને ભારતને શાનદાર સફળતા મળી છે.

