ઉદયનિધિ સ્ટૅલિન પછી ડીએમકેના લીડર એ. રાજા હવે કૂદી પડ્યા છે આખા વિવાદમાં
તામિલનાડુના પ્રધાન તેમ જ મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિનના દીકરા ઉદયનિધિ સ્ટૅલિન (ફાઇલ તસવીર)
તામિલનાડુના સ્પોર્ટ્સ પ્રધાન ઉદયનિધિ સ્ટૅલિને સનાતન ધર્મ વિશે કરેલી કમેન્ટનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ડીએમકેના બીજા એક લીડરે આ વિવાદને વધાર્યો છે. હવે એ. રાજાએ સનાતન ધર્મની એચઆઇવી અને રક્તપિત્ત સાથે સરખામણી કરી છે.
ચેન્નઈમાં બુધવારે દ્રવિડ કઝઘમ દ્વારા આયોજિત વિશ્વકર્મા યોજના વિરુદ્ધની સભામાં રાજાએ કહ્યું હતું કે ‘ઉદયનિધિએ જ્યારે કહ્યું કે સનાતન ધર્મને મલેરિયા, ડેન્ગી અને કોરોનાની જેમ નાબૂદ કરવાની જરૂર છે ત્યારે એ તેમની વિનમ્રતા હતી. મલેરિયા અને ડેન્ગીની સાથે કોઈ સામાજિક કલંક જોડાયું નથી.’
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું કે ‘મલેરિયા અને ડેન્ગીની સાથે ઘૃણાની કોઈ લાગણી જોડાઈ નથી કે ન તો એ સામાજિક કલંક ગણાય છે. ભૂતકાળમાં રક્તપિત્ત અને અત્યારના સમયમાં એચઆઇવીને ઘૃણાસ્પદ ગણવામાં આવે છે. જ્યાં સુધી અમારી વાત છે તો સનાતન ધર્મને એક એવી બીમારી ગણવી જોઈએ જે એચઆઇવી અને રક્તપિત્તની જેમ સામાજિક કલંક છે.’
એ સમયે તામિલનાડુ કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ કે. એસ. અલગિરિ, એમડીએમકેના ચીફ વાઇકો, સીપીએમ અને સીપીઆઇના લીડર્સ સ્ટેજ પર હાજર હતા.
નરેન્દ્ર મોદી અને અમિત શાહને ડીબેટ માટે ચૅલેન્જ
રાજાએ એમ પણ કહ્યું કે ‘જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સનાતન ધર્મનું પાલન કરતા હોય તો તેમણે વિદેશ ન જવું જોઈએ, કેમ કે ‘સારો’ હિન્દુ દરિયો ઓળંગતો નથી.’
રાજાએ વધુ એક વખત સનાતન ધર્મ અને વર્ણાશ્રમ વિશે ડીબેટ માટે મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ચૅલેન્જ આપતાં કહ્યું હતું કે ‘હું મારા લીડર (એમ. કે. સ્ટૅલિન)ની પરમિશનથી આ કહી રહ્યો છું. તમે દિલ્હીમાં એક કરોડ લોકોને એકત્ર કરો. તમારા શંકરાચાર્યને બોલાવો. બાણ, તીર અને દાંતરડાં સહિત તમારી પાસે જેકંઈ હોય એ ડીબેટ માટે લઈને આવો. હું આંબેડકર અને પરિયાર દ્વારા લખવામાં આવેલી બુક્સ લઈને આવીશ. ચાલો ચર્ચા કરીએ.’
અમે તમામ ધર્મો અને જાતિઓનું સન્માન કરીએ છીએ. કૉન્ગ્રેસ જ નહીં, ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ દરેક પાર્ટી તમામ ધર્મ અને જાતિઓનું સન્માન કરે છે. અમે એવાં સ્ટેટમેન્ટ્સથી સંમત નથી. હવે જો તમે કોઈની કમેન્ટને ટ્વિસ્ટ કરવા ઇચ્છો તો તેઓ એમ કરવા માટે ફ્રી છે. - પવન ખેડા, કૉન્ગ્રેસના લીડર
ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ ઘમંડિયા ગઠબંધનના નેતાઓનું ઘમંડ ઓછું કરે. તેમનો અહંકાર અને ઘમંડ તેમને એટલા નિમ્ન સ્તરે સ્ટેટમેન્ટ આપવા મજબૂર કરે છે કે તેઓ સનાતન ધર્મને નાબૂદ કરવાની વાત કરે છે, હિન્દુઓનું અપમાન કરે છે. જોકે હું આ નેતાઓને યાદ કરાવું છું કે આ વિચારસરણી ધરાવતા મોગલો જતા રહ્યા, અંગ્રેજો આવીને જતા રહ્યા. સનાતન હતો, સનાતન છે અને સનાતન રહેશે. રાહુલ ગાંધીની નફરતની દુકાનમાં જે નફરતનો સામાન છે એ આ ઘમંડિયા ગઠબંધનના નેતાઓ વેચી રહ્યા છે. - અનુરાગ ઠાકુર, કેન્દ્રીય પ્રધાન

