આ ઘટનામાં બે પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે અને લગભગ પચીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે
પ્રતીકાત્મક તસવીર
મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ગુરુવારે મોડી રાતે અંદાજે ૩૦૦થી ૪૦૦ લોકોના ટોળાએ એસપી અને ડીસી ઑફિસ પર હુમલો કર્યો હતો. આ ભીડે ત્યાં પથ્થરમારો પણ કર્યો હતો અને એક બસ સહિત ઘણી ગાડીઓને આગ ચાંપી દીધી હતી. આ હુમલાને જોનારાઓનું કહેવું છે કે આ ઘટનામાં બે પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે અને લગભગ પચીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે ચુરાચાંદપુર એસપીએ હેડ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા, જેના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં સ્થિતિને જોતાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે તેમ જ પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે હેડ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર આવતાં એસપી ઑફિસની બહાર ભીડ એકઠી થઈ હતી. એ ભીડે કાર્યાલયનો દરવાજો તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેમ જ એ હેડ કૉન્સ્ટેબલને ફરી નોકરી પર લેવાની માગણી કરી હતી. કારણ કે તેણે બંકરમાં લીધેલા સેલ્ફી બાબતે આ વિવાદ થયો હતો.


