લોકસભામાં ડીએમકેના સંસદસભ્યએ હિન્દીભાષી રાજ્યોને ‘ગૌમૂત્ર રાજ્યો’ કહ્યાં, ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડો વિરુદ્ધ ઍક્શન લઈને ઇન્ડિયા ૧૦૦થી વધુ ચાઇનીઝ વેબસાઇટ્સ પર બૅન મૂકશે અને વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : દેશનાં અનેક મંદિરોમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને એન્ટ્રી પર બૅન મૂકવામાં આવ્યો છે. રાજકોટમાં પણ એનું પાલન કરાયું છે. રાજકોટનાં ઓછાંમાં ઓછાં ૧૦૦ મંદિરમાં સનાતન ધર્મ રક્ષક સમિતિના આગેવાનોએ પોસ્ટર લગાવ્યાં છે કે મંદિરની ગરિમા જળવાઈ રહે એ માટે ટૂંકાં, ફાટેલાં કપડાં પહેરીને પ્રવેશ કરવો નહીં. પોસ્ટરમાં એમ પણ લખવામાં આવ્યું છે કે લેડીઝ કે જેન્ટ્સે બરમુડા, કેપ્રી, સ્લીવલેસ કપડાં, ફાટેલાં જીન્સ કે મિનિ સ્કર્ટ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. રાજકોટના પ્રખ્યાત પંચનાથ મંદિર સહિતનાં મંદિરોમાં આવાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. રાજકોટના હિન્દુ સંગઠનોનું કહેવું છે કે મંદિરોની પ્રતિષ્ઠા અને ગરિમા જળવાઈ રહે એ માટે આ નિર્ણય કર્યો છે.
લોકસભામાં ડીએમકેના સંસદસભ્યએ હિન્દીભાષી રાજ્યોને ‘ગૌમૂત્ર રાજ્યો’ કહ્યાં
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ નિવેદનના મુદ્દે ભારે હોબાળો
નવી દિલ્હી : લોકસભામાં ડીએમકેના એક સંસદસભ્યએ ગઈ કાલે કરેલા એક નિવેદનથી હોબાળો મચી ગયો છે, કારણ કે તેમણે દેશનાં હિન્દીભાષી રાજ્યોને ‘ગૌમૂત્ર રાજ્યો’ ગણાવ્યાં છે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માત્ર ત્યાં જ ચૂંટણી જીતી શકે, દક્ષિણ ભારતમાં નહીં.
ડીએનવી સેન્થિલકુમારે એક ચર્ચામાં ભાગ લેતાં કહ્યું હતું કે આ દેશની જનતાએ વિચારવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી માત્ર હિન્દીભાષી રાજ્યોમાં જ ચૂંટણી જીતે છે, જેને અમે ‘ગૌમૂત્ર રાજ્યો’ કહીએ છીએ. આ નિવેદનને કેટલાક લોકો હાલમાં સામે આવેલા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ સંબંધિત જોઈ રહ્યા છે; જેમાં બીજેપીએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓમાં જીત મેળવી છે અને કૉન્ગ્રેસે તેલંગણમાં જીત મેળવી છે. લોકસભામાં વાત કરતાં સેન્થિલકુમારે કહ્યું કે બીજેપી દક્ષિણ ભારતમાં આવી શકતી નથી. કેરલા, તામિલનાડુ, તેલંગણ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકનાં પરિણામો તમારી સામે જ છે. અમે ત્યાં ખૂબ મજબૂત છીએ. આ નિવેદન બાદ બીજેપીના નેતાઓએ વળતો જવાબ આપતાં કહ્યું કે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને પૂછો કે શું તેઓ આ નિવેદન સાથે સહમત છે? સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પણ આ નિવેદનના મુદ્દે ભારે હોબાળો મચ્યો છે અને લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે.
ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડો વિરુદ્ધ ઍક્શન લઈને ઇન્ડિયા ૧૦૦થી વધુ ચાઇનીઝ વેબસાઇટ્સ પર બૅન મૂકશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઇન્વેસ્ટમેન્ટને સંબંધિત કૌભાંડો માટે ઇન્ડિયન્સને ટાર્ગેટ કરતી ૧૦૦થી વધુ ચાઇનીઝ વેબસાઇટ્સ પર બૅન મૂકવા માટે એક પ્રોસેસ શરૂ કરી છે. નોંધપાત્ર છે કે ભારત સરકાર દ્વારા ચીનમાંથી ઑપરેટ કરવામાં આવતા ફાઇનૅન્શિયલ ફ્રૉડની વિરુદ્ધ સતત ઍક્શન લેવામાં આવી રહી છે. સોર્સિસ અનુસાર ગૃહમંત્રાલયે ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયને આ વેબસાઇટ્સ બ્લૉક કરવા જણાવ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત સરકારે લગભગ ૨૫૦ ચાઇનીઝ ઍપ્સ પર બૅન મૂકવાનો ઑર્ડર આપ્યો છે.
અમેરિકાએ અદાણી ગ્રુપને લોન આપતાં પહેલાં હિન્ડનબર્ગે મૂકેલા આરોપોને ચકાસ્યા હતા
વૉશિંગ્ટન : અમેરિકન સરકાર એવા તારણ પર આવી છે કે શૉર્ટસેલર હિન્ડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રુપ વિરુદ્ધના કૉર્પોરેટ ફ્રૉડના આરોપો પ્રસ્તુત નથી એટલે જ અમેરિકાએ શ્રીલંકામાં કન્ટેનર ટર્મિનલ માટે અદાણી ગ્રુપને ૫૫.૩૦ કરોડ ડૉલર (૪૬.૧૧ અબજ રૂપિયા)ની લોન આપી હતી.આ વર્ષની શરૂઆતમાં અમેરિકાસ્થિત હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં આરોપો મૂકવામાં આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ વૅલ્યુમાં ભારે ધોવાણ થયું હતું. અમેરિકાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ ગવર્નમેન્ટની એજન્સી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશને અદાણી ગ્રુપની પૂરેપૂરી તપાસ કરી હતી.આ અમેરિકન એજન્સીને સંતોષ થયો હતો કે શૉર્ટસેલરના રિપોર્ટમાં મૂકવામાં આવેલા આરોપો શ્રીલંકાનો પ્રોજેક્ટ સંભાળી રહેલી કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડને લાગુ પડતા નથી. જોકે આ અમેરિકન એજન્સી આ કંપનીને સતત મૉનિટર કરતી રહેશે.
ચન્દ્રથી પાછું આવ્યું ચન્દ્રયાન-૩નું પ્રોપલ્શન મૉડ્યુલ
બૅન્ગલોરઃ ઇસરોએ વધુ એક વખત દુનિયાને ઇમ્પ્રેસ કરી છે. ચન્દ્રયાન-૩નું પ્રોપલ્શન મૉડ્યુલ જે ચન્દ્રનું પરિભ્રમણ કરી રહ્યું હતું, ઇસરો એને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું લાવવામાં સફળ રહ્યું છે. ઇસરોએ પુરવાર કર્યું છે કે એ પોતાના સ્પેસક્રાફ્ટને પાછું બોલાવી શકે છે. હવે પ્રોપલ્શન મૉડ્યુલની અંદર રહેલા શેપ પેલોડ દ્વારા ધરતીનો સ્ટડી કરવામાં આવશે. શેપ એટલે કે સ્પેક્ટ્રોપૉલેરિમેટ્રી ઑફ હૅબિટેબલ પ્લેનેટ અર્થ. પહેલાં એવી યોજના હતી કે આ પેલોડને માત્ર ત્રણ મહિના જ ચલાવવામાં આવે, કેમ કે માનવામાં આવી રહ્યું હતું કે પ્રોપલ્શન મૉડ્યુલ ફક્ત એટલો જ સમયગાળો કામ કરી શકશે. જોકે પ્રોપલ્શન મૉડ્યુલમાં એટલું ફ્યુઅલ છે કે હજી એ વર્ષો સુધી કામ કરી શકે છે.