ગયા વર્ષે હત્યા કરવામાં આવેલા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને ડી-ગૅન્ગના નામે જાનથી મારી નાખવાની ધમકી
ઝીશાન સિદ્દીકી
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અને સાત વર્ષ પહેલાં ખુલ્લેઆમ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવેલી તે બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને ઈ-મેઇલ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં તેમના બાંદરામાં આવેલા ઘર અને ઑફિસની બહાર પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ ઝીશાન સિદ્દીકીના પર્સનલ ઈ-મેઇલ આઇડી પર ડી-ગૅન્ગનો ઉલ્લેખ કરતો એક ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘જે હાલ તારા પિતાના કર્યા એવા જ તારા કરીશું.’ ઝીશાનને બે દિવસથી ધમકીની આવી ઈ-મેઇલ આવી રહી છે જેમાં ધમકીની સાથે ૧૦ કરોડ રૂપિયાની ખંડણીની પણ માગણી કરવામાં આવી છે. જવાબ નહીં આપે તો દર છ કલાકે ઈ-મેઇલ મોકલવામાં આવશે એવું એમાં લખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બાંદરા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ પણ ઝીશાનને આવી ધમકી મળી છે. જોકે પહેલી વખત તેને ડી-ગૅન્ગનો ઉલ્લેખ કરીને ધમકાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૧૨ ઑક્ટોબરે રાત્રે દસેક વાગ્યે ત્રણ વખતના વિધાનસભ્ય બાબા સિદ્દીકી પર ખુલ્લેઆમ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી.

