આમ્બિવલી અને શહાડ વચ્ચે એક્સપ્રેસ ટ્રેન પર થયેલા પથ્થરમારામાં મહિલાને આંખમાં થઈ ગંભીર ઈજા: આ જગ્યાએ વારંવાર હુમલો થતો હોવાથી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, પણ ગઈ કાલે સવારે પોલીસ ડ્યુટી પર નહોતી

પથ્થરમારામાં ગંભીર રીતે જખમી થયેલાં રખમાબાઈ પાટીલ
મુંબ્રા-કળવા રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેન પર પથ્થરમારો કરીને એક મુસાફરને ઈજા પહોંચાડવાની ઘટના તાજી છે ત્યારે ગઈ કાલે આમ્બિવલી અને શહાડ રેલવે સ્ટેશન વચ્ચે એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના બની હતી, જેમાં એક મહિલા મુસાફરની આંખમાં ગંભીર ઈજા થઈ હતી. કલ્યાણ રેલવે પોલીસે પથ્થરબાજોની શોધખોળ શરૂ કરી છે. રેલવે મુસાફરોની માગણી છે કે પોલીસ પથ્થરમારો કરનારા આરોપી પર વૉચ રાખી તેમની ધરપકડ કરે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
થાણેના દિવા વિસ્તારમાં રહેતો પાટીલ પરિવાર એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે નાંદેડ ગયો હતો. ગઈ કાલે સવારે રાજારાણી એક્સપ્રેસ નાંદેડથી કલ્યાણ આવી રહી હતી ત્યારે આમ્બિવલી અને શહાડ સ્ટેશન વચ્ચે અજ્ઞાત યુવકે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પંચાવન વર્ષનાં મહિલા મુસાફર રખમાબાઈ પાટીલને આંખમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ ટ્રેન કલ્યાણ રેલવે સ્ટેશન પર પહોંચતાં ઈજાગ્રસ્ત મહિલાને ઈશા નેત્રાલયમાં ઇલાજ માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની ફરિયાદ કલ્યાણ રેલવે પોલીસે નોંધીને તપાસ હાથ ધરી છે. ગઈ કાલે જ્યાં આ ઘટના બની હતી એ જ જગ્યાએથી ઘણી વખત પથ્થરમારાની ઘટના બની છે. પથ્થરમારો કરનારા લોકો માત્ર ગેટ પાસે ઊભેલા લોકોની વસ્તુઓ પડે અને પોતે લઈ જાય એ માટે પથ્થરમારો કરતા હોય છે.
કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. જે જગ્યાએ આ મહિલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં અમારા અધિકારીઓને મોકલીને તપાસ કરવામાં આવી રહી છે.’
કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ઢગેને આ જગ્યાએ આ પહેલાં અનેક વાર આવી ઘટના બની છે તો બંદોબસ્ત કેમ રાખવામાં નથી આવ્યો એવો સવાલ કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ જગ્યાએ આ પહેલાં અનેક ઘટના નોંધાઈ છે, પણ એ જગ્યાએ ટીટવાલા આરપીએફ ડ્યુટી કરતી હોય છે. ગઈ કાલે તેઓ ડ્યુટી પર ન હોવાથી આ ઘટના બની છે.’