આવતા વર્ષના જુલાઈ મહિના સુધી ચાલે એટલું પાણી જમા થવાથી પાણીકાપની ચિંતા ટળી

તાનસા તળાવ
આ વર્ષે ચોમાસામાં ખૂબ સારો વરસાદ થયો હોવાથી મુંબઈને પાણી પૂરું પાડતાં અપર વૈતરણા, ભાત્સા, મોડકસાગર, મધ્ય વૈતરણા, તાનસા, વિહાર, તુલસી વગેરે સાતેય તળાવ શનિવારે ઓવરફ્લો થયાં હતાં. મુંબઈ બીએમસીના પાણીપુરવઠા વિભાગની ટીમ શનિવારે આ તળાવોની મુલાકાતે ગઈ હતી અને તેમણે આવતા વર્ષના જુલાઈ મહિના સુધી ચાલે એટલું પાણી આ જળાશયોમાં જમા થયું હોવાની માહિતી આપી હતી. આથી આવતા વર્ષે પણ આ વર્ષની જેમ ચોમાસું મોડું શરૂ થશે તો પણ મુંબઈમાં પાણીની ચિંતા નહીં રહે.
મુંબઈ બીએમસીના પાણીપુરવઠા વિભાગના અધિકારીઓએ શનિવારે સાતેય જળાશયોની મુલાકાત લીધી હતી અને પાણીની સ્થિતિ અને બીજી બાબતોની માહિતી આ જળાશયો પર પાણીનો નિકાલ કરતા કર્મચારીઓ પાસેથી લીધી હતી. ગયા અઠવાડિયે જ્યાં આ જળાશયો આવેલાં છે એ તથા આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવાથી શનિવારે સવારે સાતેય જળાશય ઓવરફ્લો થઈ ગયાં હોવાનું કર્મચારીઓએ કહ્યું હતું.
મુંબઈને દરરોજ સાતેય જળાશયોમાંથી સરેરાશ ૩૮૫૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે. તાનસા જળાશયમાંથી ૪૫૫ એમએલડી, મોડકસાગરમાંથી ૪૫૫ એમએલડી, મધ્ય વૈતરણામાંથી ૪૫૫ એમએલડી, અપર વૈતરણામાંથી ૬૪૦ એમએલડી અને ભાત્સા જળાશયમાંથી ૨૦૨૦ એમએલડી મળીને કુલ ૪૦૨૫ એમએલડી પાણી છોડવામાં આવે છે. પાણીના સપ્લાય દરમ્યાન અંદાજે ૧૭૫ એમએલડી પાણી ચોરી કે લીકેજ થવાથી વેફડાય છે.
મુંબઈમાં છેલ્લા દોઢેક દાયકામાં વસતિમાં વધારો થયો છે, પણ જળાશયોની સંખ્યામાં કે પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં કોઈ વધારો નથી થયો એટલે બીએમસીએ વધારાનું પાણી મેળવવા માટે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના હાથ ધરી છે.