એકનાથ શિંદેની શિવસેનાના સંસદસભ્ય ગજાનન કીર્તિકરે આખરે મૌન તોડ્યું
ગજાનન કીર્તિકર
મુંબઈ નૉર્થ વેસ્ટ બેઠકના એકનાથ શિંદે જૂથના સંસદસભ્ય ગજાનન કીર્તિકર આ વખતે ચૂંટણી નથી લડવાના, પણ તેમનો પુત્ર અમોલ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથમાંથી આ બેઠકમાં ચૂંટણી લડી રહ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કોરોના મહામારી વખતે બહારગામના મજૂરોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં ભ્રષ્ટાચાર કરવાનો તેની સામે આરોપ છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે. બે દિવસ પહેલાં અમોલ કીર્તિકરની EDની ઑફિસમાં ૭ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પુત્ર સામે EDની તપાસથી પોતે ખુશ ન હોવાનું ગઈ કાલે તેમણે જાહેરમાં કહીને બતાવ્યું હતું. ગજાનન કીર્તિકરે ગુરુવારે રાત્રે ગોરેગામમાં એક પ્રચારસભામાં કહ્યું હતું કે ‘શિવસેનામાં મને ૫૭ વર્ષ થયાં, પણ મેં ક્યારેય કપટ નથી કર્યું. અગાઉ જાહેર કર્યા મુજબ પુત્ર અમોલ સામે હું પ્રચાર કરીશ, પણ તેની સામે ચાલી રહેલી EDની તપાસમાં કંઈ નથી મળવાનું. ખીચડી સ્કૅમમાં કંઈ હાથ લાગવાનું નથી. EDના અધિકારીએ જ ખાનગીમાં આ વાત કબૂલ કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ વખતે ૪૦૦ પારનું સૂત્ર આપ્યું છે. તેઓ ૪૦૦ બેઠકને બદલે આખી સંસદ તાબામાં લે એની સામે કોઈ વાંધો નથી, પણ તેમણે વિરોધીઓનું સન્માન જાળવવું જોઈએ. વિરોધીઓની પાછળ કેન્દ્રીય તપાસયંત્રણા લગાડવી એ BJPની નવી સંસ્કૃતિ છે.’



