Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં લોકો ટૂ-વ્હીલર ચલાવતાં કેમ ડરે છે?

વસઈ-વિરારમાં લોકો ટૂ-વ્હીલર ચલાવતાં કેમ ડરે છે?

23 February, 2023 08:10 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

રખડતા શ્વાન બાઇક પર જતા લોકોને કરડતા હોવાથી વધતો ભય: વસઈની આઠ વર્ષની ગુજરાતી છોકરીના પગ પર શ્વાન કરડતાં તેની એક્ઝામ પર અસર થઈ

વસઈમાં રહેતી આઠ વર્ષની ગુજરાતી બાળકીને શ્વાન પગમાં કરડ્યો હતો.

વસઈમાં રહેતી આઠ વર્ષની ગુજરાતી બાળકીને શ્વાન પગમાં કરડ્યો હતો.


મુંબઈ : વસઈ-વિરારમાં રખડતા શ્વાનનો ત્રાસ અત્યંત વધી ગયો છે. લૉકડાઉન દરમિયાન લોકો ઘરની બહાર ન નીકળવાને કારણે રસ્તા પર રખડતા શ્વાનને ખાવાનું મળતું નહોતું, એને કારણે તેઓ વધુ આક્રમક બની ગયા હતા. આવી સ્થિતિમાં હજારો રખડતા શ્વાન નાગરિકો પર હુમલો કરી રહ્યા છે જેને કારણે આવી ઘટનાઓ વધી રહી છે. રસ્તાઓ પર રખડતા શ્વાનથી લોકો પરેશાન છે. આ શ્વાન ટૂ-વ્હીલરની પાછળ દોડે છે, જેને કારણે અવારનવાર અકસ્માતો થાય રહયા છે. ટૂ-વ્હીલર પર જતાં નાનાં બાળકો, મહિલાઓ અને ‌સિનિયર સિ‌ટિઝનોને રસ્તા પર રખડતા આ શ્વાન કરડવાનો ભય સતાવી રહ્યો છે.

એક્ઝામ હોવા છતાં દીકરી સ્કૂલમાં જઈ નથી શકતી



વસઈ-ઈસ્ટના વસંતનગરીમાં રહેતી અને બીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની આર્યાહીની મમ્મી મિત્તલ પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે સાડાનવ વાગ્યે મારી દીકરી તેના મોટા પપ્પાના દીકરા અને મારી દસ વર્ષની મોટી દીકરી સાથે બાઇક પર પાસે આવેલા વસંતનગરીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મૅચ જોવા જઈ રહી હતી. ત્યારે બાઇક પર મારી નાની દીકરી વચ્ચે બેઠેલી હતી. સ્કૂટીનો અવાજ સાંભળતાં જ શ્વાન સ્કૂટી પાછળ દોડ્યો હતો અને આર્યાહીના પગ પર બચકું ભરી લીધું હતું. શ્વાન સ્કૂટી કે બાઇકનો અવાજ આવે તો એની પાછળ દોડે છે. તેનો પગ સૂજી ગયો અને કાળો પડી ગયો હોવાથી ત્રણ ઇન્જેક્શન લેવા કહ્યું છે. તેની આજથી એક્ઝામ શરૂ થઈ છે, પણ દુખાવાને કારણે તેને સ્કૂલમાં નથી મોકલી. અમારી આસપાસના લોકો સાથે પણ આવો બનાવ બન્યો છે. બાઇકનો અવાજ સાંભળતાં જ શ્વાન પાછળ દોડે છે અને બ્રેક મારીએ તો અકસ્માતનો ભોગ બનતા હોઈએ છીએ. આ બનાવ વિશે અમે સુધરાઈને પણ જાણ કરી છે.’


ટૂ-વ્હીલર ચલાવતાં ડર લાગે છે

વિરાર-વેસ્ટની ગોકુલ ટાઉનશિપમાં રહેતી પાયલ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને તો મારા વિસ્તારમાં રાતના કે સવારના સ્કૂટી ચલાવતાં ખૂબ ડર લાગે છે.’


આંકડા બોલે છે

વસઈ-વિરાર મહાનગરપાલિકાની હદમાં ૨૦૧૯માં શ્વાન કરડવાની લગભગ ૧૮,૨૬૮ ઘટના બની હતી, જ્યારે ૨૦૨૨માં ૧૬,૦૫૦ ઘટના શ્વાન કરડવાની બની છે. ગયા વર્ષે આ જ સંખ્યા ૧૮,૮૯૦ હતી. મહાનગરપાલિકાની હદમાં એક લાખથી પણ વધુ રખડતા કૂતરાઓ હોવાનો અંદાજ છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં રખડતા અને ઈજાગ્રસ્ત શ્વાન ઉપદ્રવ કરતા હોવાની ફરિયાદો મળી રહી છે. હાલમાં નવઘર સ્મશાન પાસે પાલિકાનું એકમાત્ર શ્વાન નસબંધી કેન્દ્ર ચાલી રહ્યું છે. ત્યાં દરરોજ માત્ર ૧૦થી ૧૨ શ્વાનની નસબંધી કરવામાં આવે છે અને આ સંખ્યા ઘણી નાની છે. શ્વાનના આતંકને રોકવા માટે શ્વાનની નસબંધી કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૦,૨૫૫ શ્વાનની નસબંધી કરવામાં આવી છે. એક શ્વાનની નસબંધી કરવા માટે અંદાજે ૯૯૬ રૂપિયાનો ખર્ચ થાય છે. નસબંધી માટે મહાનગરપાલિકાએ છેલ્લાં ત્રણ વર્ષમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલે સવાલ એ પણ છે કે જ્યારે શ્વાનની નસબંધી કરવામાં આવે છે તો પછી શ્વાનનાં બચ્ચાં ક્યાંથી જન્મે છે?

શ્વાન નસબંધી કેન્દ્ર હજી કાગળ પર

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક કેન્દ્ર નવઘરમાં રખડતા શ્વાનની નસબંધી કરવામાં આવે છે. ઑક્ટોબર ૨૦૧૧થી ઑક્ટોબર ૨૦૨૨ સુધીનાં અગિયાર વર્ષમાં મહાપાલિકાએ ૩૮,૩૮૬ કૂતરા પાછળ ૪ કરોડ ૫૭ લાખ ૮ હજાર ૧૮૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મહાનગરપાલિકાએ નાલાસોપારા અને વસઈ ગામમાં બે શ્વાન નસબંધી કેન્દ્રનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ જગ્યાના અભાવે પ્રસ્તાવ હજી કાગળ પર જ છે. હાલમાં શહેરમાં રખડતા શ્વાનની સંખ્યામાં ભારે વધારો થયો છે અને દરરોજ ૩૦થી ૪૦ નાગરિકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. રખડતા શ્વાનની સંખ્યાને અંકુશમાં લેવા માટે નવા સેન્ટરની જરૂર હોવા છતાં મહાનગરપાલિકા ઉદાસીન છે.

મહાનગરપાલિકા શું કહે છે?

વેટલૅન્ડ અને સીઆરઝેડને કારણે નસબંધી કેન્દ્ર સ્થાપવા માટે જગ્યા મળતી નથી. ગા વર્ષે જગ્યા ઉપલબ્ધ કરવા માટે ટાઉન પ્લાનિંગ વિભાગને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2023 08:10 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK