મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે અમે એના વિશે માસ્ટરપ્લાન બનાવી રહ્યા છીએ
દેવેન્દ્ર ફડણવીસ
મુંબ્રામાં સોમવારે થયેલા અકસ્માતમાં ૪ લોકોનાં મોત થયા બાદ મુંબઈ લોકલના પ્રવાસનો ઇશ્યુ ગંભીર બની ગયો છે ત્યારે હવે રાજ્ય સરકાર પણ એના પર કેન્દ્રના રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરીને ઉપાય કરવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમે ભાડું ન વધારીને AC લોકલ કઈ રીતે આપી શકાય એના પર ચર્ચા-વિચારણા કરીને માસ્ટરપ્લાન તૈયાર કરી રહ્યા છીએ. એટલું જ નહીં, અમે ઓવરઑલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સુધારવા પર પણ કામ કરી રહ્યા છીએ.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈગરાને AC ટ્રેન આપવાની અને એ પણ ભાડાં ન વધારીને આપવાની એવો માસ્ટરપ્લાન સરકાર પાસે છે. મેટ્રોનું જાળું હજી વિકસ્યું ન હોવાથી લોકલ ટ્રેનોમાં ગિરદી છે. નૉન-AC ટ્રેનોમાં દરવાજા બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. દરવાજાવાળા ડબ્બામાં પણ હવાની હેરફેર થતી રહે એેવી ગોઠવણ કરવામાં આવશે. લોકલ ટ્રેનોમાં વેન્ટિલેશનની વ્યવસ્થા કરી પડશે એટલું ભાન સરકારને છે, એટલું તો ડિઝાઇનનું દિમાગ સરકાર પાસે છે.’
ADVERTISEMENT
મુંબ્રામાં થયેલા અકસ્માતમાં ૪ પ્રવાસીઓનાં મોત પછી પણ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા કોઈ જ દિલગીરીની પોસ્ટ મુકાઈ નથી એટલે ડિપાર્ટમેન્ટની અસંવેદનશીલતા સામે લોકો સવાલ કરી રહ્યા હતા એવા સમાચાર સાંભળ્યા એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સોમવારે અકસ્માત થયો ત્યારે કેન્દ્રના રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મારી સાથે અઢી કલાક વાત કરી છે. અમે ઉપાય યોજવા પર ચર્ચા કરી હતી. ઓવરઑલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કઈ રીતે સુધરી શકે એના પર અમે કામ કરી રહ્યા છીએ. લોકલમાં એક જ સમયે થતો ધસારો ઓછો થાય એ માટે અમે સરકારી ઑફિસોને કહ્યું પણ છે કે તેઓ તેમના સમયમાં ફ્લેક્સિબલ ટાઇમ રાખે. જોકે પ્રાઇવેટ ઑફિસોમાં એનો અમલ કરવો મુશ્કેલ બની રહ્યું છે.’

