Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બુલેટ ટ્રેનનું વિરાર સ્ટેશન હશે ૧૭ કિલોમીટર દૂર

બુલેટ ટ્રેનનું વિરાર સ્ટેશન હશે ૧૭ કિલોમીટર દૂર

18 May, 2023 09:17 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

પેલ્હાર પાસે બનનારા આ સ્ટેશને લોકો કઈ રીતે પહોંચશે એ પ્રશ્નનો ઉકેલ લાવવા તાજેતરમાં જપાનના ડેલિગેટ્સ સાથે થયેલી બેઠકમાં લેવાયો નિર્ણય : હવે આ સ્ટેશન સુધી પહોંચવા માટે કંપની બે રસ્તા વિકસાવશે

બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિરીક્ષણ કરવા વસઈ-‌વિરાર ખાતે જપાનના ડે‌લિગેટ્સ આવ્યા હતા.

બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિરીક્ષણ કરવા વસઈ-‌વિરાર ખાતે જપાનના ડે‌લિગેટ્સ આવ્યા હતા.



મુંબઈ : બુલેટ ટ્રેન માટે જગ્યા લેવાની હોય કે આસપાસના વિસ્તારનો વિકાસ કરવાનો હોય - આ માટે અનેક અડચણોમાંથી પસાર થઈને બુલેટ ટ્રેન લોકોની સેવામાં જલદી આવવાની છે ત્યારે લોકપ્રિય બુલેટ ટ્રેનનું વિરાર સ્ટેશન વિરારથી લગભગ ૧૭ કિલોમીટર દૂર પેલ્હાર પાસે છે તેમ જ ત્યાં પહોંચવા માટે લોકોએ લગભગ પોણો કલાક વેડફવો પડે એમ છે. એથી તાજેતરમાં જપાનના ડેલિગેટ્સ સાથે વસઈ-‌વિરાર ખાતે થયેલી બેઠકમાં આ સ્ટેશન તરફ જવા માટે બે રસ્તાઓ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એવું માનવામાં આવે છે કે એને કારણે આ અંતર એકદમ ઓછું થઈ જશે.
મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતી આ બુલેટ ટ્રેન કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) વસઈ તાલુકાનાં ૨૧ ગામ અને વસઈ-વિરાર મહાનગરપાલિકા વિસ્તારનાં ૧૪ ગામમાંથી પસાર થશે. વસઈથી એની કુલ લંબાઈ ૨૬.૫ કિલોમીટર છે. આ બુલેટ ટ્રેન માટે રાજ્યમાં કુલ ચાર સ્ટેશન છે. એમાં બીકેસી, થાણે, વિરાર અને બોઇસરનો સમાવેશ થાય છે. વિરારમાં બુલેટ સ્ટેશન નાલાસોપારા-ઈસ્ટમાં પેલ્હારના વાલઈપાડા ખાતે બાંધવામાં આવશે. એનું નિરીક્ષણ કરવા માટે જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (જેઆઇસીએ)ની ૧૩ સભ્યોની ટીમે સૂચિત રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. એ પ્રમાણે બુલેટ સ્ટેશન અને એની આસપાસના ૫૦૦ મીટરની જગ્યા વિકસાવવામાં આવશે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર વાય. એસ. રેડ્ડીએ જપાનના પ્રતિનિધિમંડળને સ્થળની ટેક્નિકલ માહિતી આપી હતી.
પેલ્હાર પરિસર મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલો છે. પેલ્હાર પોલીસ સ્ટેશનથી ૬.૨ કિલોમીટર દૂર આવેલા વાલઈપાડા ખાતે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. વિરાર રેલવે સ્ટેશનથી આ બુલેટ સ્ટેશનનું અંતર આશરે ૧૭.૫ કિલોમીટર લાંબું છે. ત્યાં પહોંચતાં પોણો કલાકથી વધુ સમય લાગશે. આથી આ બુલેટ સ્ટેશન સુધી વહેલી તકે પહોંચવા માટે મહાનગરપાલિકાએ બે નવા રસ્તાનો પ્રસ્તાવ પ્રસ્તાવિત કર્યો હતો. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પાસેથી આ રસ્તાઓ વિકસાવવામાં આવશે. ટાઉન પ્લા‌નિંગ વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે ડેવલપમેન્ટ પ્લાનમાં બે રસ્તાઓને ડેવલપ કરવામાં આવશે. એક રસ્તો નાલાસોપારાથી અને બીજો વિરારથી બનાવવામાં આવશે. એને કારણે નાલાસોપારાથી ૩.૪ કિલોમીટર અને વિરારથી કિલોમીટરના અંતરે બુલેટ સ્ટેશને પહોંચી શકાશે. એથી બુલેટ સ્ટેશન ૨૦થી ૨૫ મિનિટમાં પહોંચી શકાશે.
બુલેટ ટ્રેનનો રૂટ
આ બુલેટ ટ્રેનનો રૂટ પાલઘર જિલ્લાનાં ૭૩ ગામમાંથી પસાર થશે. વસઈ-વિરારનાં ૨૧ ગામોનો સમાવેશ એ કરે છે. એમાં નાલાસોપારામાં બિલાલપાડા, મોરે, પોમણ, મોરી, બાપાણે, સસૂનવઘર, નાગલે, સારજા મોરી, નારિંગી, જુલી બેટ અને વિરાર, કોપરી, ચંદનસાર જેવાં કુલ ૨૧ ગામો છે. મુંબઈ અને બરોડા વચ્ચે કુલ ૧૭ સ્ટેશન છે. મહારાષ્ટ્રમાંથી કુલ ચાર સ્ટૉપ છે. એમાં બીકેસી, થાણે, વિરાર અને બોઈસર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ મુસાફરી માટે દોઢ કલાક લાગશે.
સ્ટેશનના પરિસરમાં ૫૦૦ મીટરનો વિકાસ
બુલેટ સ્ટેશન અને એની આસપાસની ૫૦૦ મીટર જગ્યા વિકસાવવામાં આવશે. આ ઠેકાણે પર્યટન અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ હબ વિકસાવવામાં આવશે. આ કામ આગામી ૧૦ વર્ષમાં કરવામાં આવશે અને બુલેટ ટ્રેન ૨૦૩૦માં દોડશે. જોકે પેલ્હાર બાજુનો ભાગ હાલમાં અવિકસિત ભાગમાંનો એક છે.
જમીન સંપાદન ૧૦૦ ટકા પૂરું
આ પ્રોજેક્ટ માટે પાલઘર જિલ્લામાં ૭૦.૫ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. ૧૦૦ ટકા જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એમાંથી ૫૨.૭ હેક્ટર ખાનગી ક્ષેત્રની, ૭.૪ હેક્ટર વનક્ષેત્ર અને ૪.૩ હેક્ટર સરકારી જમીનનો સમાવેશ થાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2023 09:17 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK