વિરાર પોલીસે વિડિયો ગેમના નામે ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કુલ બાવન લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : વિરાર પોલીસે વિડિયો ગેમના નામે ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કુલ બાવન લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ વર્ષની જુગાર સામેની આ સૌથી મોટી કાર્યવાહી છે.
વિરાર-પશ્ચિમના વર્તક રોડ પર ચોરઘેવાડીમાં જીવન બિલ્ડિંગના પરિસરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી વિરાર પોલીસને મળી હતી. પોલીસે ત્યાં દરોડો પાડતાં તીન પત્તીનો જુગાર રમાતો હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના જાણીતા બિલ્ડરો અને વેપારીઓ આ સમયે જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસે જગ્યાના માલિક જનાર્દન રાઉત અને મૅનેજર ધરમ સંઘવી સહિત જુગાર રમતા સંચાલક નીતિન ગોસાવી અને જુગાર રમવા આવેલી બાવન વ્યક્તિ સામે મહારાષ્ટ્ર જુગાર અધિનિયમની કલમ ૨૮૩, ૧૮૮, ૩૪ સહિત કલમ ૪, ૫ હેઠળ ગુનો નોંધ્યો છે.
વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળએે આ વિશે કહ્યું હતું કે ‘આરોપીઓ સામે નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસે જગ્યા પરથી મોબાઇલ ફોન, ચાર્જર, ટીવી સેટઅપ, રોકડ રકમ, નોટબુક, કૅલ્ક્યુલેટર, વાયર વગેરે કબજે કર્યાં હતાં. આ જુગાર પાંચ દિવસ પહેલાં શરૂ થયો હતો. આયોજકોએ વિડિયો ગેમના નામ હેઠળ પરવાનગી માગી હતી, પરંતુ એ આપવામાં આવી નહોતી. અહીં તીન પત્તીનો જુગાર ચાલી રહ્યો હતો. ગેરકાયદે રીતે શેડ ઊભા કરીને આ જુગાર શરૂ થયો હતો. આયોજકો સામે એમઆરટીપી હેઠળ કેસ નોંધવામાં આવે અને બાંધકામને ખાલી કરાવવામાં આવે એવો પત્ર મહાનગરપાલિકા આપશે.’


