હિંસક ટોળાએ ચોક્કસ ધર્મના લોકો અને વેપારીઓને નિશાન બનાવ્યા હોવાથી લોકો વીફર્યા હોવાનું વિરોધ પક્ષના નેતાએ કહ્યું
દેવેન્દ્ર ફડણવીસ
મિડ-ડે પ્રતિનિધિ
feedbackgmd@mid-day.com
મુંબઈ : ત્રિપુરામાં કથિત ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્રના વિવિધ ભાગમાં ૧૨ નવેમ્બરે મોરચા કાઢવામાં આવ્યા હતા, જેમાં હિંસાચાર થયો હતો. આ મોરચાને પગલે બીજા દિવસે અમરાવતીમાં બીજેપીએ બંધનું આહવાન આપ્યું હતું એમાં પણ હિંસક બનાવ બન્યા હતા. આ ઘટના બાદ ગઈ કાલે વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે અમરાવતીની મુલાકાત લીધી હતી. તેમણે ૧૨ નવેમ્બરે રાજ્યભરમાં મોરચા ન કઢાયા હોત તો બીજા દિવસે બીજેપીને અમરાવતી બંધ ન કરવું પડત અને હિંસા ન થાત એમ કહ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અત્યારે સરકારના પ્રધાન, પાલક પ્રધાન સહિતના બધા ૧૨ નવેમ્બરની ઘટનાને ડિલીટ કરીને માત્ર ૧૩ નવેમ્બરે એકમાત્ર અમરાવતીમાં જ હિંસક બનાવો બન્યા હોવાની સ્થિતિ ઊભી કરી રહ્યા છે. આ બરાબર નથી. ૧૨ નવેમ્બરે મોરચા ન કઢાયા હોત તો બીજા દિવસે અમરાવતીમાં કંઈ ન થાત. અત્યારે જે કાર્યવાહી કરાઈ રહી છે તે ૧૩ નવેમ્બરની ઘટનામાં કરાઈ રહી છે. ટાર્ગેટ કરીને કાર્યવાહી કરાઈ રહી છે. બીજેપીના નેતાઓને પકડવામાં આવી રહ્યા છે. એક ઘટના માટે ૪ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. આ એકતરફી કાર્યવાહીનો અમે વિરોધ કરીશું. લોકોને વગર કારણે નિશાન બનાવવાનું યોગ્ય નથી. મોરચાની પાછળ મોટું કાવતરું છે.’
વિરોધ પક્ષના નેતાએ વધુમાં કહ્યું હતું કે ‘મોરચો પૂરો થયા બાદ પાછા ફરતી વખતે સમાજવિરોધીઓએ જે રીતે દુકાનો અને લોકોને નિશાન બનાવ્યાં એના પરથી તેમની પાછળ કોઈકનો દોરીસંચાર હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. મોરચાને દંગલમાં ફેરવવાનો પ્લાન હોવાથી એક સમાજના અથવા એક ધર્મના લોકોની દુકાનો અને વેપારીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. એને લીધે અમરાવતીમાં પરિસ્થિતિ બદલાઈ હતી. ૧૨ નવેમ્બરના મોરચાનું રીઍક્શન બીજા દિવસે અમરાવતીમાં જોવા મળ્યું હતું. અમે અમરાવતીમાં થયેલી હિંસાનું જરાય સમર્થન નથી કરતા. કોઈ પણ પ્રકારની હિંસાનું સમર્થન ન કરી શકાય.’


