વિનોદ કાંબળીની પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટે કબૂલ કર્યું...
વિનોદ કાંબળીની બીજી પત્ની અને ભૂતપૂર્વ મૉડલ ઍન્ડ્રિયા હ્યુઇટ
મુંબઈના ભૂતપૂર્વ સ્ટાઇલિશ ક્રિકેટર વિનોદ કાંબળીની બીજી પત્ની અને ભૂતપૂર્વ મૉડલ ઍન્ડ્રિયા હ્યુઇટ પણ પહેલી પત્ની નોએલા લુઇસની જેમ ડિવૉર્સ લેવાની હતી એવા સમાચારની ચર્ચા જોરમાં છે ત્યારે ઍન્ડ્રિયા હ્યુઇટે એક ઇન્ટરવ્યુમાં પહેલી વખત કબૂલ્યું છે કે તે વિનોદથી ખરેખર ડિવૉર્સ લેવાની હતી. ૨૦૦૬માં વિનોદ કાંબળી સાથે કોર્ટ-મૅરેજ કરનારી ઍન્ડ્રિયા હ્યુઇટે કહ્યું હતું કે ‘દારૂની લત છોડાવવા માટે વિનોદને અત્યાર સુધીમાં ૧૪ વખત રીહૅબ સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે. ડ્રિન્ક કરવાની વિનોદની આદતથી કંટાળીને મેં અનેક વખત ડિવૉર્સ લેવાનો વિચાર કર્યો હતો, પણ તેની હાલત જોઈને આગળ નહોતી વધી શકી. મેં વિચાર્યું કે જો હું વિનોદને છોડી દઈશ તો તે એકલો થઈ જશે. તે નાના બાળક જેવો છે, એથી મને વધુ ચિંતા રહે છે. ઘણી વાર હું વિનોદને છોડીને જતી રહેતી ત્યારે મને બહુ ટેન્શન રહેતું. તેણે કંઈ ખાધું હશે કે નહીં? ઠીકથી સૂતો હશે કે કેમ? આવા વિચાર આવવાથી ઘરે આવીને તેની દેખભાળ કરતી હતી. વિનોદની આવી હાલતમાં બાળકોને ઉછેરવાનું મુશ્કેલ હતું. જોકે પુત્ર ક્રિસ્ટિયાનો મારો સહારો બન્યો. ઘણી વાર મારે પોતાની જાતને સમજાવવું પડતું હતું કે હું બાળકોની માતાની સાથે પિતા પણ છું. પુત્ર ખૂબ સમજદાર છે, તેણે મને ક્યારેય હેરાન નથી કરી.’


