કુલ ૪ જણ પકડાયા એમાં મલાડનો ગુજરાતી RTI ઍક્ટિવિસ્ટ પણ સામેલ
ધરપકડ કરવામાં આવેલો ઉદ્ધવસેનાનો નાલાસોપારા તાલુકા પ્રમુખ અને ભૂતપૂર્વ નગરસેવક સ્વપ્નિલ બાંદેકર.
રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ (RTI) અંતર્ગત અસંખ્ય અરજી કરીને વરલીમાં સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) પ્રોજેક્ટનું કામ કરી રહેલા બિલ્ડર પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર ભાઈંદરના નવઘર પોલીસે ઉદ્ધવસેનાના નાલાસોપારાના તાલુકાપ્રમુખ ઉપરાંત ભૂતપૂર્વ નગરસેવક સ્વપ્નિલ બાંદેકર અને ગુજરાતી RTI ઍક્ટિવિસ્ટ હિમાંશુ શાહ સહિત ચાર આરોપીની શનિવારે રાતે ધરપકડ કરી હતી. આરોપીઓએ ફરિયાદી બિલ્ડરને ૧૦ કરોડ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી બિલ્ડર દોઢ કરોડ રૂપિયા આપવા સંમત થયો હતો. બિલ્ડરે શનિવારે રાતે ભાઈંદર-ઈસ્ટના ઇન્દ્રલોક વિસ્તારમાં આવેલી એક હોટેલમાં આરોપીઓને નક્કી થયા મુજબ ૧૫ લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા. જોકે આ વાતની જાણ બિલ્ડરે પોલીસને પણ કરી હતી.
નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધીરજ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી બિલ્ડર આકાશ ગુપ્તાએ નાલાસોપારામાં રહેતા આરોપી સ્વપ્નિલ બાંદેકરને હોટેલમાં ૧૫ લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યો હતો ત્યારે તેની સાથે મલાડમાં રહેતો હિમાંશુ શાહ, નાલાસોપારાનો નિખિલ બોલાર અને વસઈનો કિશોર કાજરેકર પણ પહોંચ્યા હતા. અમારી ટીમ પહેલાંથી હોટેલમાં હતી એટલે આરોપીઓની રંગેહાથ ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આરોપીઓ ખંડણી વસૂલવા માટે ફરિયાદી બિલ્ડરને છ મહિનાથી પરેશાન કરતા હતા. પહેલાં તેમણે ૧૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ આટલી રકમ આપી શકે એમ ન હોવાનું બિલ્ડરે કહ્યું હતું. લાંબી વાટાઘાટ બાદ બિલ્ડર દોઢ કરોડ રૂપિયા આપવા માટે સંમત થયો હતો. માહિતી અધિકારના નિયમનો દુરુપયોગ કરીને ખંડણી માગવાનો આ મામલો છે.’

