તેમની પાસેથી ૪.૩૦ લાખ રોકડા, ૨.૮૦ લાખના દાગીના અને ૨૦,૦૦૦ રૂપિયાના બે મોબાઇલ ફોન મળી આવ્યા

પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ઘરફોડીનો મામલો ઉકેલવામાં આવ્યો છે. અહીં એક મકાનમાં ઘૂસીને ૭.૩૦ લાખ રૂપિયાની રોકડ અને કીમતી ચીજવસ્તુઓની ચોરી કરનારી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) વિનાયક વસ્તે જણાવ્યું હતું કે ‘પહેલી માર્ચે નિતલાસ ગામમાં એક ઘરફોડીની સૂચના મળી હતી અને ત્યાર બાદ તલોજા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીઓની એક ટીમ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તથા મોબાઇલ નેટવર્કના ડેટાના આધારે બે શકમંદો સુધી પહોંચી હતી.’
આ બંનેની ઓળખ સુમિત શેળકે (૨૪ વર્ષ) અને શ્રીનાથ વાઘમારે (૨૫ વર્ષ) તરીકે થઈ છે અને તેમની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરતાં ૪.૩૦ લાખ રૂપિયા રોકડા, ૨.૮૦ લાખ રૂપિયાના દાગીના અને ૨૦,૦૦૦ રૂપિયાના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.