ટીનેજર બીએઆરસીમાં કામ કરતા તેના પિતાને ફાળવવામાં આવેલા ક્વૉર્ટર્સમાં રહેતી હતી

બળાત્કારની પ્રતીકાત્મક તસવીર
પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)નાં ક્વૉર્ટર્સમાં ૧૯ વર્ષની કૉલેજની વિદ્યાર્થિનીને નશીલું પીણું પીવડાવીને બે વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના ચેમ્બુર પોસ્ટલ કૉલોની વિસ્તારમાં બની હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટીનેજર બીએઆરસીમાં કામ કરતા તેના પિતાને ફાળવવામાં આવેલા ક્વૉર્ટર્સમાં રહેતી હતી. તેના પિતા કામની જવાબદારીઓને કારણે અલગ જગ્યાએ રહે છે. ૨૬ વર્ષનો એક આરોપી એ જ બિલ્ડિંગમાં રહે છે, કારણ કે તેના પિતા પણ બીએઆરસીમાં કામ કરે છે. આરોપી અને ટીનેજર એકબીજાને ઓળખતાં હતાં. આરોપીના પરિવારજનો બહારગામ ગયા હોવાથી તેણે બુધવારે રાત્રે એક પુરુષમિત્રને પોતાના ઘરે બોલાવ્યો હતો. આરોપીને ખોરાક બનાવવા માટે ઇન્ડક્શન કુકિંગ સિસ્ટમની જરૂર હોવાથી તેણે ટીનેજરને ઇન્ડક્શન કુકિંગ અપ્લાયન્સ લઈને બોલાવી હતી. ટીનેજર તેના ઘરે ગઈ હતી અને થોડી વાર ત્યાં રોકાઈને આરોપી તેમ જ તેના મિત્ર સાથે વાતચીત કરી હતી. બાદમાં આરોપીએ તેને સૉફ્ટ ડ્રિન્ક ઑફર કર્યું હતું જે નશાવાળું હતું. એ પીને ટીનેજર બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ આરોપી અને તેના મિત્રએ તેના પર કથિત બળાત્કાર કર્યો હતો. ટીનેજર વહેલી સવારે ભાનમાં આવતાં તેને પોતાના પર બળાત્કાર થયાનો અહેસાસ થતાં તેણે આજુબાજુના લોકો તેમ જ પરિવારના સભ્યોને જાણ કરી હતી અને બાદમાં ચેમ્બુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને બન્ને આરોપીની ધરપકડ કરી હતી.’

