તળ મુંબઈના ઐતિહાસિક બાણગંગા તળાવ પર ગઈ કાલે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે સર્વપિતૃ અમાસે હજારોની સંખ્યામાં લોકો તેમના પિતૃઓના તર્પણ માટે પહોંચી ગયા હતા
તસવીર : આશિષ રાજે
તળ મુંબઈના ઐતિહાસિક બાણગંગા તળાવ પર ગઈ કાલે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે સર્વપિતૃ અમાસે હજારોની સંખ્યામાં લોકો તેમના પિતૃઓના તર્પણ માટે પહોંચી ગયા હતા. તળાવમાં પિંડદાન, લોટના લાડુ અને અન્ય ખાદ્ય સામગ્રી સાથે પૂજાની સામગ્રી પણ પધરાવાતી હોવાથી એમાં પૉલ્યુશનની સમસ્યા થતી હોવાથી થોડા દિવસ પહેલાં જ સેંકડોની સંખ્યામાં માછલીઓએ મરી ગઈ હતી. એ પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તળાવની સાફસફાઈ કરી હતી. તળાવમાં વધુ પૉલ્યુશન ન થાય અને લોકોની ધાર્મિક આસ્થા પણ જળવાઈ રહે એ માટે BMCએ તળાવની આજુબાજુ લોખંડની ગ્રિલ બેસાડીને બૅરિકેડ્સ ઊભાં કરી દીધાં હતાં. જોકે લોકોને પિંડદાન કરવા અને સામગ્રી પધરાવવા ટેમ્પરરી ધોરણે સંખ્યાબંધ પ્લાસ્ટિકના મોટા પૉન્ડ ઊભા કરી દીધા હતા અને લોકોને તળવામાં કશું પણ પધરાવવાની મનાઈ કરી હતી. લોકો પણ BMCની આ પહેલને સ્વીકારીને એને અનુરૂપ પ્લાસ્ટિકના પૉન્ડમાં પિંડદાન કરતા જોવા મળ્યા હતા.
